ઉત્તરાયણની સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ:નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળામાં 2500 પતંગો પર પર્યાવરણ જાગૃતિના સૂત્રો લખી 225 બાળકોને અર્પણ કરાયા

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંગની સાથે બાળકોને 225 દોરીના પીલ્લા અને 225 પોષક આહારની કીટ પણ અપાઈ

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના પર્યાવરણ પ્રેમી શિક્ષકે પતંગ-દોરીને કીટ, ઉત્તરાયણ છે હીટ ના નવતર પ્રયોગ સાથે 2500 પતંગો પર પર્યાવરણ જાગૃતિના સૂત્રો લખી 225 બાળકોને અર્પણ કરી હતી. પતંગની સાથે બાળકોને 225 દોરીના પીલ્લા અને 225 પોષક આહારની કીટ પણ આપવામાં આવી હતી.

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા એ શૈક્ષણિક અને સામાજિક પ્રકારના અનેકવિધ સફળ નવતર પ્રયોગ માટે રાજ્યભરમાં જાણીતી છે. શાળાના પર્યાવરણ પ્રેમી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે એક નવતર પ્રયોગ દ્વારા ઉજવણી સાથે જન જાગૃતિનો ઉત્તમ વિચાર અમલી કર્યો છે. ઉત્તરાયણ ઉત્સવ નિમિત્તે શાળા અને આંગણવાડીના તમામ 225 બાળદેવોને ખાસ કીટ આપવામાં આવી છે. જેમાં કુલ 2500 પતંગો ઉપર વૃક્ષની મહિમાના વિવિધ સૂત્રો જાતે લખીને આપવામાં આવ્યા હતા. તો સાથે જ 225 દોરીના પીલ્લા અને પોષક આહારની કીટ પણ આપવામાં આવી છે. પોષક આહારની ખાસ કીટમાં ખારી શીંગ, ચણા, ઘઉંના લોટના બિસ્કીટ, તલ ચીકી, શીંગ ચીકી, માવા ચીકી, મમરાના લાડુ અને ચોકલેટ તૈયાર કરીને તમામને આપવામાં આવ્યાં હતાં.

આ પતંગ -દોરી અને ખાસ કીટના મુખ્ય દાતા તરીકે સારસાના નિત્યાનંદ ગોરધનભાઈ પટેલ અને નડિયાદના એક સેવાભાવી પરમ સત્સંગી સહયોગી બન્યા છે. તો સાથે સુશ્રુત નિરામય હોસ્પિટલ નડિયાદના ડો.હેતલ પટેલ, ખેડાના લાબેલા લેડીઝ ટેલર્સ અને પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટે પણ ખાસ સહયોગ આપ્યો છે.

આ ઉત્તરાયણ કીટના વિતરણમાં હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે ગામના સરપંચ અશ્વિન વાળંદ, પંચાયત સભ્ય અશોક પરમાર, આચાર્ય જયપાલસિંહ ઝાલા,એસ એમ સીના અધ્યક્ષ ચિરાગ પટેલ તથા રામજી મંદિરના મહંત પૂ.ભગવાનદાસજી મહારાજ ખાસ હાજર રહ્યા હતા અને ગામમાં જઈને સામાજિક અંતર જાળવીને તમામ 255 બાળદેવોને કીટ આપી હતી. આ માટે છેલ્લા બે મહિનાથી ચાલતી પૂર્વ તૈયારી અને આયોજનમાં શાળાના શિક્ષિકા નયનાબેન બ્રહ્મભટ્ટ ખાસ સહયોગી બન્યા હતા તો કીટ તૈયાર કરવામાં શાળા પરિવારના પિનાકિનીબેન રામી, સેજલબેન પંડ્યા, સતીશ પટેલ અને નિર્મલ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. આમ, સૌના સહકારથી પર્યાવરણ જાગૃતિ સાથે ઉત્તરાયણ ઉજવણીનો આ નવતર પ્રયોગ સંપૂર્ણ સફળ બન્યો હોવાનું પર્યાવરણ પ્રેમી શિક્ષક હિતેશકુમારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...