ભાઈ-ભાભી સામે ફરિયાદ:નડિયાદના ભુમેલમાં રેલ પ્રોજેક્ટ જમીન સંપાદનના નાણાં ન આપી વિશ્વાસઘાત કરતાં બહેને સગા ભાઈ સામે ફરિયાદ નોંધાવી

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધવા માતા પાસે પાવર ઓફ એટર્ની મેળવી જમીન સંપાદનના ભાગે પડતાં રૂપિયા 48 લાખ 9 હજાર 436 ન આપ્યા
  • ​​​​​​​ચકલાસી પોલીસ સ્ટેશનમાં​​​​​​​ બહેને ભાઇ અને ભાભી સામે ફરિયાદના નોંધાવી

નડિયાદના ભુમેલમાં વિધવા માતા સાથે રહેતી પુત્રીએ પોતાના સગા ભાઈ અને ભાભી સામે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે, રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઈ હતી અને વિધવા માતા પાસે પાવર ઓફ એટર્ની મેળવી જમીન સંપાદનના ભાગે પડતાં રૂપિયા 48 લાખ 9 હજાર 436 આપવામાં પુત્ર ઠાગાઠૈયા કરતાં તેણીએ પોતાના ભાઈ અને ભાભી સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ તાલુકાના ભુમેલ ગામે રહેતા 42 વર્ષિય કલ્પનાબેન શીરીલભાઈ મેકવાન (ખ્રિસ્તી) પોતાની માતા મરીયમબેન સાથે રહે છે. શીરીલભાઈનું વર્ષ 2017માં અવસાન થયું હતું. જે બાદ કલ્પનાબેન પોતાની વિધવા માતા સાથે રહે છે. શીરીલભાઈને એક પુત્ર કમલેશ છે જેઓ પોતાની પત્ની પારૂલબેન સાથે શીરીલભાઈના ઘરના ઉપરના માળે રહે છે.

શીરીલભાઈની જમીન ભુમેલ ગામે સર્વે નં. 156માં આશરે 48 ગૂંઠા આવેલ છે. આ 48 ગૂંઠા પૈકી 24 ગૂંઠા જમીન સરકારના રેલ પ્રોજેક્ટમાં કપાત થતી હતી. જે મામલે સરકાર તરફથી જમીન સંપાદનની પ્રક્રિયા સમયે કમલેશે પોતાની માતા મરીયમબેન અને બહેન કલ્પનાબેનની પાવર ઓફ એટર્ની મેળવી હતી. સરકાર તરફથી કુલ રૂપિયા 72 લાખ 14 હજાર 153 ધારા ધોરણ પ્રમાણે અલગ અલગ તારીખોમાં કમલેશના ખાતામાં ચૂકવણી કરાઈ હતી.

આ રકમના અડધા હકદાર મરીયમબેન છે. કુલ રકમ પૈકી 48 લાખ 9 હજાર 436 મરીયમબેનના ભાગે આવે છે. જે રકમની વિધવા માતા અને બહેન માંગણી કરતાં હતા પરંતુ પુત્ર કમલેશ અને તેની પત્ની પારૂલબેન આ રકમ આપવામાં ઠાગાઠૈયા કરતાં હતા. ખોટા ખોટા વાયદાઓ કરી આજે આપશે કાલે તેમ કહી પુત્ર ટાળતો હતો. તો આ બાબતે ગત 25મી ઓક્ટોબર 2021ના રોજ કકળાટ ચરમસીમાએ પહોંચ્યો હતો. જેમાં કમલેશ અને તેની પત્ની પારૂલબેન બન્ને ઉંમરલાયક મરીયમબેનને મારવા સામુ થઈ ગયા હતા. અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આથી આ અંગે જે તે સમયે ચકલાસી પોલીસ મથકે કલ્પનાબેને અરજી કરી હતી. જે સંદર્ભે પોલીસે બન્ને પક્ષોને બોલાવી સમાધાન કરાવતા કમલેશ તે સમયે ભાગે પડતા નાણાં ચૂકવી આપવા જણાવ્યું હતું. આથી કલ્પનાબેન આ સમયે કોઈ આગળ કાર્યવાહી કરી નહોતી. પરંતુ આમ છતાં પણ કમલેશને નાણાં આપવાની દાનત સારી નહોતી અને તેથી જ તે જ્યારે કલ્પનાબેન કે મરીયમબેનને માંગે ત્યારે નાણાં વપરાઈ ગયા છે. તેમ જણાવી ગમેતેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતાં કલ્પનાબેન પોતાની વિધવા માતાને ન્યાય અપાવવા પોતાના ભાઈ કમલેશ મેકવાન અને ભાભી પારૂલબેન મેકવાન સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...