વાહન અકસ્માત:ખેડાના કનેરા પાસે હાઈવે પર રિક્ષાને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા એકનું મોત, સાત ઘાયલ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ પિયાગો રીક્ષા ફસાયેલા મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી

ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. આજે સાંજે ખેડાના કનેરા પાસેના અમદાવાદ-મુંબઈ હાઈવે પર એક અકસ્માતની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે 7 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. પિયાગો રિક્ષા પાછળ ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

ખેડા જિલ્લામાંથી અમદાવાદ-મુંબઈને જોડતો હાઇવે નં. 48 પસાર થાય છે. ખેડાના કનેરા પાસે ગુરુવારની સમી સાંજે મુસાફરો ભરેલી પીયાગો રિક્ષા ખેડા તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી પુર ઝડપે આવેલ ટ્રક ધડાકાભેર રિક્ષા સાથે અથડાઇ હતી.જેથી રિક્ષાનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો દોડી આવી ઈજાગ્રસ્તોને તુરંત બહાર કાઢ્યા હતા. અને ઘવાયેલા લગભગ 7 લોકોને તુરંત સારવાર માટે ખેડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

આ અકસ્માતમાં જયેશ રામાભાઈ સોલંકી (ઉં. વ. 30)નું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે સાત જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત ટ્રક ચાલકને પણ ઇજા થતાં તેને પણ સારવાર માટે ખેડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ખેડા ટાઉન પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...