• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Mega Legal Services Camp Was Organized By District Legal Services Authority In Nadiad, Beneficiaries Were Given Various Assistance On The Spot.

કેમ્પ:નડિયાદમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મેગા લિગલ સર્વિસીસ કેમ્પ યોજાયો, લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સહાયનો લાભ અપાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કેમ્પમાં કુલ 4 હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી
  • કુલ 2 હજાર 327 લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સહાયનો લાભ અપાયો

ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડિયાદ દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી છેક છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે હેતુસર સમગ્ર ખેડા જિલ્લામાં જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે મુજબના કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનાં ભાગરૂપે ખેડા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આજે નડિયાદમાં મેગા લિગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરાયું હતું.

શહેરના સંતરામ મંદિર પાછળ આવેલ બાજ ખેડાવાળ હોલમાં મેગા લિગલ સર્વિસીસ કેમ્પ યોજાયો હતો. જેનું ઉદઘાટન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય, નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એલ એસ. પીરઝાદા, કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કે એલ. બચાણી તથા જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકાયો હતો.

આ કેમ્પમાં ન્યાયખાતા દ્વારા ઉપલબ્ધ મફત અને સક્ષમ કાનૂની સેવા-સહાય વિશેની વિવિધ યોજનાઓની જાણકારી તથા કાનૂની સહાયની જરૂરીયાતવાળા લોકોને સ્થળ પર જ સહાય માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જરૂરી કિસ્સામાં અરજદારના કેસમાં વકીલની ફાળવણી કરવામાં આવી તથા સરકારની વિવિધ સેવાઓ જેવી કે કોરોના વેક્સીનેશન, આધાર કાર્ડ નોંધણી સુધારા-વધારા, માં કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડનું આયુષ્માન કાર્ડમાં તબદીલીકરણ, આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, ઓ.બી.સી. પ્રમાણપત્ર, સિનિયર સીટીઝન પ્રમાણપત્ર, રાશન કાર્ડમાં સુધારા-વધારા કરવામાં આવ્યા હતા.

ઉપરાંત UDID-દીવ્યાંગ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, મિલકત આકારણીનો ઉતારો, વિધવા સહાય, કોરોના મહામારીમાં અનાથ થયેલ બાળકોને સહાય, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ યોજના, સમાજ કલ્યાણ અનુસુચિત જાતિની સેવાઓ વિગેરેની કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી. જેમાં કુલ 4 હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી અને કુલ 2 હજાર 327 લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ "મેગા લિગલ સર્વિસીસ કેમ્પ”નું સમગ્ર આયોજન અને વ્યવસ્થા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલયના સેક્રેટરી અને સિવિલ જજ . આર એલ. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...