આજીવન કેદની સજા:કપડવંજના કેસરપુરામાં બે વર્ષ અગાઉ થયેલી હત્યાના મામલે કપડવંજ કોર્ટે એકને આજીવન કેદની સજા ફટકારી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાભી સાથે થયેલા ખરાબ વર્તનની રીસ રાખી શખ્સે કેબલ વડે માર માર્યો હતો
  • ન્યાયાધીશે સરકારી વકીલની દલીલો તેમજ પુરાવા ધ્યાનમાં રાખી સજાનો હુકમ કર્યો
  • આજીવન કેદની સજા સાથે 10 હજાર રૂપિયાનો દંડ ભરવા પણ હુકમ કરાયો

કપડવંજ તાલુકાના કેસરપુરામાં વર્ષ 2019માં મહિલા સાથે ખરાબ વર્તન કર્યા બાબતની રીસ રાખી મહિલાના દિયરે 58 વર્ષીય એક ઈસમને કેબલના વાયરથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે પ્રકરણમાં કપડવંજ એડી.સેશન્સ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

કપડવંજ તાલુકાના કેસરપુરા ગામે દિનેશ બાબુભાઈ પરમાર 18 માર્ચ, 2019ના રોજ કેસરપુરા ગામની સીમમાં ગયો હતો. તે વખતે સીમમાં આવેલા મનુભાઈ સવાભાઈ પરમારના ખેતરમાં ભવાઈની પ્રેક્ટીસ ચાલી રહી હતી. હોળીના દિવસે માતાજીની ભવાઈ ભજવાતી હોઈ તેની પ્રેકટીસ છોકરાઓને ગામમાં રહેતા શામળભાઈ પસાભાઈ પરમાર (ઉંમર 58) કરાવતા હતા.

આ સ્થળે દિનેશ બાબુભાઈ પરમાર પહોંચી ગયો હતો અને શામળભાઈને તમે ભવાઈ વિશે શું જાણો કહી ઝગડો કર્યો હતો. આ ઝગડામાં અગાઉ દિનેશની ભાભી સીમાબેન સાથે શામળભાઇએ ખરાબ વર્તન કર્યું હોવાની રીસ પણ તેણે રાખી હતી. આ ઝગડો ઉગ્ર બનતા દિનેશે પોતાના હાથમાંનો કેબલ જોરથી શામળભાઈને બરડાના ભાગે મારી દઈ પેટ ઉપર તથા બરડાના ભાગે ઈજા પહોંચાડી હતી. જેથી શામળભાઈને સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

શામળભાઈની ફરિયાદના આધારે પોલીસે જે-તે વખતે ઈપીકો કલમ 307નો ગુનો દાખલ કર્યો હતો. જો કે તેમનું મોત થતા કલમ 302નો ઉમેરો કરાયો હતો. આ બનાવ અંગે આતરસુંબા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી.

જે અંગેનો કેસ કપડવંજના સેસન્સ જજ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ મિનેષ આર.પટેલની દલીલો તથા કુલ 16 જેટલા સાહેદોની જુબાની તથા 27 જેટલા દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં રાખી આરોપી દિનેશ બાબુભાઈ પરમારને કસૂરવાર ઠેરવ્યો હતો. તેમજ તેને આજીવન કેદની સજા સાથે 10 હજાર રૂપિયાનો દંડ ભરવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...