આણંદ તાલુકાના વહેરાખાડીમાં રહેતા એક શખ્સે પોતાના સગાની ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાને ધાક-ધમકી આપી ભગાડી જઇ તેની મરજી વિરુદ્ધ તેની સાથે જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. સગા સંબંધમાં કૌટુંબિક ભાઈ ગણાતા આ શખ્સના કારસ્તાન સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આણંદ જિલ્લાના વહેરાખાડી ખાતે રહેતો ગોપાલ બાબુભાઈ ચોકેકર અવાર નવાર નડિયાદમાં તેના સગાને ત્યાં આવતો જતો હતો. અહીંયા રહેતી અને તેના સગામાં થતી 14 વર્ષીય સગીરા પર તેની દાનત બગડી હતી. સગા સંબંધની રીતે કૌટુંબિક બહેન ગણાતી સગાની આ સગીર વયની પુત્રીને 23 જાન્યુઆરીના રોજ નડિયાદમાંથી ધાક ધમકી આપી ગોપાલ ભગાડી ગયો હતો.
શાળાએ જવા નીકળેલી આ સગીરાનું વૈશાલી ગરનાળા પાસેથી ગોપાલ બાઇક પર ભગાડી ગયો હતો. બાદમાં વસોના દંતાલી ગામની સીમ ને.હા.નં .48 પાસે કોઈ અવાવરુ જગ્યાએ જઈ તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઈ.પી.કો. કલમ 376(2) (આઈ) તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ તપાસ કરી ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં રજૂ કરાઈ હતી. ગુરુવારે આ કેસ નડિયાદની પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. ન્યાયાધીશ ડી.આર.ભટ્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. જે બાદ સરકારી વકીલ પી.આર.તીવારીની દલીલોને તેમજ તેમણે રજૂ કરેલા કુલ 8 સાહેદોના પુરાવા અને કુલ 14 દસ્તાવેજી પુરાવાઓ ચકાસણી કરી કોર્ટે આરોપી ગોપાલ ચોકેકરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે સાથે દંડ પડ ફટકાર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.