છેતરપિંડી:કણજરીના શખ્સે 4 ટ્રેકટરો વેચાણ લઈને લોનના હપ્તા નહીં ભરતા મૂળ માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર ટ્રેકટર માલિકો સાથે છેતરપિંડી કરવામા આવી
  • કઠલાલ પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો નોંધ્યો

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ટ્રેક્ટરો વેચવાનો મામલો મોંઘો પડ્યો છે. ટ્રેકટરો વેચાણ રાખનાર કણજરીના શખ્સે ટ્રેકટરના લોનના બાકી નીકળતા હપ્તાઓ નહી ભરતાં રેલો મુળ માલિકો સુધી પહોંચ્યો છે. જે વાતની જાણ વેચાણ રાખનારને થતાં તેણે પોતાનો ફોન બંધ કરી દેતાં મામલો અંતે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. 4 જેટલા ટ્રેકટરો માલિકો સાથે આ રીતની ઠગાઈ આચરતાં આ સંદર્ભે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

કઠલાલ શહેરના ઈન્દીરાનગરી વણઝારાવાસમાં રહેતા 26 વર્ષીય વિજય બળદેવભાઈ વણઝારાએ ગત વર્ષે લોકડાઉનના સમયમાં નડિયાદ HDFC બ્રાન્ચમાં ડાઉન પેમેન્ટ ભરી લોન પર એક ટ્રેક્ટર ખરીદ્યુ હતું. જેનો લગભગ એક હપ્તો પણ ભર્યો હતો. થોડા જ દિવસોમાં આ ટ્રેક્ટર વેચવાની જરૂર ઊભી થતાં વિજયે કઠલાલ-અમદાવાદ રોડ પરના એક શોરૂમ ચલાવતાં હરીભાઇ ભરવાડને આ બાબતે વાત કરી હતી. જેથી હરીભાઈએ જણાવેલ કે કોઈને જરૂર હશે તેવુ ધ્યાને આવશે તો તમને કહીશ.

થોડા દિવસો વિત્યા બાદ હરીભાઈએ વિજયને ફોન કરીને જણાવેલ કે એક પાર્ટી આવી છે જે ટ્રેક્ટરનો સોદો કરવા તૈયાર છે જેથી તમે તમારા વાહનની કન્ડીશન બતાવવી પડશે. જેથી ગત 20 સપ્ટેમ્બર 2020ના રોજ વિજય અને તેના સંબંધી સુનીલ હેમાજી વણઝારા બન્ને વાહન લઈને હરીભાઈના શોરૂમે પહોંચ્યા હતા. જ્યાં બે વ્યક્તિઓ પાસે ઓળખાણ કરાવી હતી. જેમાં એક મોહસીન બસીરખાન પઠાણ (રહે. હુસેનીચોક, કણજરી, તા. નડિયાદ) અને અન્ય વિક્રમ ભરતભાઈ સોલંકી (રહે. ભડકદ, તા.જિ.આણંદ) હતા.

મોહસીન પઠાણને વિજયનું સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર પસંદ આવી જતાં તેમણે રૂપિયા 89 હજાર 465માં સોદો નક્કી કરી દીધો હતો. આથી 300 રુપિયાના સ્ટેમ્પ પર વેચાણ સંદર્ભેનું લખાણ કરી વેચાણ કરાર કર્યો હતો. આ સાથે વિજયની સાથે આવેલા સુનીલે પણ પોતાના ટ્રેક્ટરનો સોદો મોહસીન પઠાણ સાથે કરી લખાણ નોટરી કરાવી હતી. જેથી આ બન્ને લોકોએ ટ્રેકટરોનો કબ્જો મોહસીનને સોંપ્યો હતો.

આ વેચાણ કરારમાં કેટલી શરતો હતી જેમાં આ ટ્રેક્ટરના બાકી રહેલા લોનના હપ્તાઓ વેચાણ રાખનાર ભરપાઈ કરશે. આથી વિજય અને સુનિલે પોતાના ટ્રેકટરો મોહસીનને આપ્યા હતા. જે બાદ મોહસીન સતત ઉપરોક્ત બન્નેના સંપર્કમાં રહી વિશ્વાસ જીત્યો હતો. આ ઉપરાંત વિજયનો એક હપ્તો અને સુનિલના ટ્રેક્ટર સંદર્ભેના બે હપ્તા પણ મોહસીને ભર્યા હતા. મોહસીને જણાવ્યું હતું કે અન્ય કોઈને ટ્રેક્ટરો વેચાણ આપવાના હોય તો જણાવજો.

આથી વિશ્વાસમાં આવેલા વિજયે ઠાસરા તાલુકાના ચેતરસુંબાના અમરસિંહ મંગળભાઈ ગોહિલનું ટ્રેક્ટર અને કઠલાલના કાણીયેલમાં રહેતા ઉદાભાઈ બેચરભાઈ બારૈયાના ટ્રેક્ટરનો આ રીતે સોદો કર્યો હતો. જે સંદર્ભેનું નોટરી લખાણ વિજયના નામે કરાયું હતું. આ બાદ આ ટ્રેક્ટરોનો પણ કબ્જો મોહસીને લઈ લીધો હતો.

થોડા દિવસ બાદ હપ્તાનો સમય આવતા આ તમામ ટ્રેકટરોનો કોઈ હપ્તો મોહસીને ભરપાઈ ન કરતાં બેંક વાળા મૂળ માલિકો સુધી ફોન કરતાં મામલો ઉજાગર થયો હતો. જેથી મૂળ માલિકો સુધી રેલો આવતાં તેમણે વેચાણ આપેલ મોહસીનને ફોન પર સંપર્ક કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતાં જ્યારે અવાર નવાર ફોન કરીએ તો ઉપાડવાની તસ્દી ન લેતાં મુળ માલિકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ સંદર્ભે વિજય વણઝારાએ ઉપરોક્ત છેતરપિંડી આચરનાર મોહસીન પઠાણ વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...