તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ:કઠલાલના સરખેજમાં વેપારીએ લીધેલી જમીનમાં વેચાણ આપનારા બે ભાઈઓએ કબ્જો જમાવ્યો, પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેચાણ આપનારા 8 પૈકી બે ભાઈઓએ કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ
  • નડિયાદ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી કરાઈ હતી

કઠલાલ પંથકમાં લેન્ડ ગ્રેબીંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના વેપારીએ કઠલાલના સરખેજ ગામે જમીન લીધી હતી, પરંતુ વેચાણ આપનારા 8 પૈકી 2 સગાભાઈઓએ કબ્જો જમાવી પાકુ દબાણ કરતાં ચકચાર જાગી છે. આ કારસા સામે વેપારીએ કઠલાલ પોલીસ મથકે જમીન પર કબ્જો જમાવનારા બે ભાઈઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

રૂપિયા 3 લાખ 29 હજારમાં લીધી હતી જમીન

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા મુકેશ મધુભાઈ લાખાણીએ વર્ષ 2013માં કઠલાલ તાલુકાના સરખેજ ગામે આવેલી ખાતા નં. 429 સર્વે નં. 11/2 તથા સર્વે નં. 11/5 વાળી જમીન વેચાણ લીધી હતી. તેઓએ આ જમીન સરખેજ ગામના શકરાભાઈ પ્રજાપતિ, છોટાભાઈ પ્રજાપતિ, રમણ પ્રજાપતિ, મણીબેન પ્રજાપતિ, જશીબેન પ્રજાપતિ, કૈલાશબેન પ્રજાપતિ, મનુ પ્રજાપતિ અને અરવિંદ પ્રજાપતિ પાસેથી રૂપિયા 3 લાખ 29 હજારમાં લીધી હતી.

જમીનનો દસ્તાવેજ પણ કરી દેવાયો હતો

19 ડીસેમ્બર 2013ના રોજ ઉપરોક્ત જમીનનો દસ્તાવેજ પણ કરી દેવાયો હતો. ત્યારબાદ 7/12 તથા 8અ ની નકલોમાં મુકેશ અને તેમના મિત્ર પરસોત્તમ પટેલના નામે આ જમીન કાયદેસરની થઈ હતી. જે પછી મુકેશે આ જમીન પર તારની વાળ બાંધી દીધી હતી.

મુકેશે આ જમીનને નોન એગ્રીકલ્ચર કરાવી બે ત્રણ મહિને એકઆદ વખત અહીંયા આવતાં હતા. જેનો લાભ વેચાણ આપનારા પૈકી બે સગાભાઈઓએ લીધો હતો અને એક વર્ષ અગાઉ જ્યારે મુકેશ પોતાની જમીન પર આવ્યાં ત્યારે તેમને ઉપરોક્ત જમીન પર રોડ પરનું પાકુ બાંધકામ જોવા મળ્યું હતું. આ ઉપરાંત એક લોખંડનો દરવાજો બનાવી ગેટ પણ બનાવવામાં આવ્યો હતો.

અપશબ્દો બોલી મુકેશને ધમકીઓ આપી

આ પાકુ બાંધકામ વેચાણ આપનારા પૈકી અરવિંદ પ્રજાપતિ અને મનુ પ્રજાપતિએ કર્યું હતું. જેથી મુકેશે આ અંગે ઉપરોક્ત બંને ભાઈઓને જણાવતાં બંને ભાઈઓએ અપશબ્દો બોલી મુકેશને ધમકીઓ આપી હતી. જોકે મુકેશ પોતે વેપારી વર્ગના વ્યક્તિ હોવાથી વધુ વાત વણસે તેથી તેઓ તુરંત ત્યાંથી રવાના થઈ ગયા હતા.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જે બાદ મુકેશ લાખાણીએ નડિયાદ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. ત્યારે કલેક્ટર કક્ષાએથી તપાસ કરવામાં આવતાં આ બનાવની સાચી હકીકત જાણવા મળી હતી. જેથી કલેક્ટરે અરજદાર મુકેશ મધુભાઈ લાખાણીને ઉપરોક્ત જમીન હડપ કરનારા લોકો સામે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. આથી મુકેશ લાખાણીએ આ અંગે જમીન પર કબ્જો જમાવનારા મનુ કાન્તીભાઈ પ્રજાપતિ અને અરવિંદ કાન્તીભાઈ પ્રજાપતિ વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPC 3, 4(3), 5(C) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...