• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • CM Started Self reliant Village Yatra From Mahemdavad Of Kheda District, Rs. 53.39 Crore Works Were Inaugurated By The Chief Minister

આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ:ખેડા જિલ્લાના મહેમદાવાદથી મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, રૂા. 53.39 કરોડના કામોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત/લોકાર્પણ

નડિયાદ12 દિવસ પહેલા
  • 3 હજાર 406 લાભાર્થીઓને રૂપિયા 2.82 કરોડના યોજનાકીય લાભોના ચેક/લોનનું વિતરણ
  • ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો અમારો સંકલ્પ : ભુપેન્દ્ર પટેલ
  • ગામડાઓ ભારતના હદય સમાન, એથી ગામડાઓનો સર્વાંગી વિકાસ કરવા સરકાર કટિબદ્ધ : ભુપેન્દ્ર પટેલ
  • યાત્રા ઘરઘર સુધી પહોંચી ગ્રામજનોને યોજનાની માહિતી આપવાની સાથે લાભો પણ આપશે : દેવુસિંહ ચૌહાણ
  • યાત્રા રાજ્યના 993 રૂટ ઉપર પરિભ્રમણ કરી 1090 જિલ્લા પંચાયતોની બેઠકોને આવરી લેશે : અર્જુનસિંહ ચૌહાણ

રાજ્યના મુખ્યમંત્રીએ દેશની આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ઐતિહાસિક ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પ થકી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તબક્કે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આત્મ નિર્ભર ગુજરાત હોવું જરૂરી છે. રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો આ પ્રયાસ છે. ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવાની જવાબદારી સરકારની છે અને તે માટે સરકાર કટિબદ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વદેશીનો નારો આપી ગામડાઓની અર્થતંત્રમાં ભૂમિકા મહત્વની ગણાવી હતી. ગાંધીજીએ કહેલું કે, સાચું ભારત ગામડાઓમાં વસે છે, ગામડાઓ ભારતના હ્દય સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવો જ સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કર્યો છે. ત્યારે, ગામડાઓમાં સુવિધાઓ સાથે સ્વાવલંબી બને અને છેવાડાના માનવીઓને પણ શહેરો જેવી સુવિધાઓ પ્રાપ્તે થાય તેવો અમારો પ્રયાસ છે. ગામડાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ આપી શહેરો સમકક્ષ બનાવવામાં આવી રહ્યા છે. મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય અને આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને ગુજરાત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારી દ્વારા સાકાર કરશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આત્મ નિર્ભર ગ્રામ યાત્રા રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોના રૂપિયા 53.39 કરોડના 1936 જેટલા કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવા સાથે વિવિધ 3 હજાર 406 લાભાર્થીઓને રૂપિયા 2.82 કરોડના યોજનાકીય લાભોના ચેક/લોન સહાયનું વિતરણ કર્યું હતું.

દેશ કેવી રીતે આત્મનિર્ભર બની શકે તેનું ઉત્તમ ઉદાહરણ કોરોનાની મહામારીમાંથી મળી રહે છે. આ અંગે વધુ પ્રકાશ પાડતાં રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના જ્યારે આવ્યો ત્યારે દેશમાં પૂરતી પીપીઇ કિટ્સ પણ નહોતી. આવા કપરા સંજોગોમાં વડાપ્રધાને દેશને દિશાદર્શન કર્યું અને જ્યારે દુનિયાના બીજા દેશો આ મહામારી સામે થાકી ગયા તેવા સંજોગોમાં ભારતે આ રોગનો મજબૂતાઇથી સામનો કર્યો છે. એક સમય એવો હતો કે કોઇ રોગ સામે રસી શોધવામાં પાંચ સાત વર્ષ નીકળી જતા હતા અને તેનું સંપૂર્ણ રસીકરણ કરવામાં દસ બાર વર્ષ થઇ જતાં હતા. તેની સામે કોવીડ મહામારીમાં ભારતે ટૂંકા સમયમાં જ રસી વિકસાવીને આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડી દેશના 112 કરોડ નાગરિકોને કોરોના સામેની વિનામૂલ્યે રસી આપી સુરક્ષિત કર્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ગામડાના ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ કરવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહી હોવાનું કહેતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વધુ પડતા રસાયણિક ખાતરો, દવાઓના વપરાશના કારણે તેની વિપરિત અસરો પડી રહી છે. તેના નિવારણ માટે રાજ્ય સરકાર મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. શહેરીજનોને તેમાં ભૂમિકા અદા કરવાની અપીલ કરતા તેમણે ઉમેર્યું કે, ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોનો યોગ્ય ભાવ અને માર્કેટ આપી ઉપયોગ કરે તે જરૂરી છે. આ કદમ લોકલ ફોર વોકલ તરફનું છે તેમ તેમણે ઉમેર્યું હતું. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે નાગરિકો પણ સહયોગ કરે એ જરૂરી છે.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના સુવર્ણ અવસરે સમગ્ર દેશમાં 75 અઠવાડિયા સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને તેના દ્વારા સ્વતંત્ર સંગ્રામના શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે. નૂતન ભારતની પરિકલ્પના હેઠળ ગુજરાત સરકારે ગામડાઓના વિકાસ માટે યોજેલી આત્મ નિર્ભર ગ્રામ યાત્રા ઘરઘર સુધી પહોંચી ગ્રામજનોને યોજનાની માહિતી આપવાની સાથે તેને લાભો પણ આપવાની છે.

ગામડાઓના ગરીબ, વંચિત, શોષિત, પીડિતોની ચિંતા કરતી આ સરકાર છે, એવી લાગણી વ્યક્ત કરતા ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે કહ્યું કે, નવા વર્ષના નવા સંકલ્પો સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ગામડાઓ આત્મ નિર્ભર બને એ માટે રાજ્ય સરકારે ત્રિદિવસીય ગ્રામ વિકાસનો મહાયજ્ઞ આરંભ્યો છે. આત્મ નિર્ભર ગ્રામ યાત્રા રાજ્યના 993 રૂટ ઉપર પરિભ્રમણ કરી એક હજાર નેવું જિલ્લા પંચાયતોની બેઠકોને આવરી લેશે. તેમ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, આ યાત્રા ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપશે. જેમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, યોજનાકીય લાભોના ચેક સહાય વિતરણ, વિવિધ કેમ્પ, નિદર્શન શિબિર, હરીફાઇનું આયોજન કરાશે.આ રથ દ્વારા સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો પ્રચાર- પ્રસાર ફિલ્મો, પેંફ્લેટ વગેરેના માધ્યમથી કરવામાં આવશે. આ યાત્રા ગામડાઓની કાયાપલટ કરવામાં ઉદ્દીપકરૂપ બની રહેશે.

લોક કલ્યાણ માટે રાજ્ય સરકાર સમર્પિત છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, આ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રામાં સ્વચ્છતા રેલી તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જાહેર સ્થળોમાં સફાઇ અભિયાન યોજાશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ઓડીએફ પ્લસ, સામુહિક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ, સામુહિક શૌચાલય તથા વ્યક્તિગત શૌચાલયની સમજ આપવા સાથે વ્યક્તિલક્ષી યોજનાઓની સમજ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 42 લાખથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 20મી નવેમ્બરના રોજ 8 હજાર 71 લાભાર્થીઓને ગૃહ પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં આગામી માર્ચ માસ સુધીમાં 1.25 લાખ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવાશે. રાજ્ય સરકાર પરિણામલક્ષી પ્રયત્નો અને લક્ષ્યાંક આધારિત કામગીરી કરી રહી છે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના 12 વિભાગોના રૂપિયા 441.89 કરોડના 19,630 જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ રુપિયા 967.82 કરોડના 23,320 જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યું હતું અને 1 લાખ 92 હજાર 575 લાભાર્થીઓને રૂપિયા 167.55 કરોડ જેટલી નાણાકીય સહાય વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.

મહેમદાવાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીએ યોજનાકીય સ્ટોલ અને પ્રદર્શનોનું ઉદ્દઘાટન કર્યું હતું. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, મુખ્યક દંડક પંકજ દેસાઇ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પ્રદેશ અગ્રણી ગોરધન ઝડફિયા, ગ્રામ વિકાસના અધિક મુખ્ય સચીવ વિપુલ મિત્રા, ગ્રામ વિકાસ કમિશનર સોનલ મિશ્રા, પ્રભારી સચીવ આર. સી. મીના, પદાધિકારીઓ કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લાશ વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેક્ટર ભરત પટેલ, લાભાર્થીઓ સહિત નાગરિકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...