નડિયાદમાંથી પસાર થતી કોલેજ પાસેની કેનાલમાં કોઈ મહિલાએ છલાંગ લગાવી હોવાની માહિતી નડિયાદ ફાયર કંટ્રોલને મળી હતી. આથી ફાયરબ્રિગેડના તરવૈયાઓએ બનાવ સ્થળે આવી નહેરના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. જો કે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમને પાણીમાંથી મહિલા ન મળી આવતાં ઉપરાંત ઘટના સ્થળે આ મહિલાના કોઇ વાલીવારસો કે ઘટનાનો અન્ય પ્રત્યદર્શી મળી ન આવતા આ બાબત સાચી છે કે ખોટી તેના અંગે ચર્ચાઓ જોવા મળી હતી.
નડિયાદમાં કોલેજ રોડ પરથી મહી સિંચાઈની મુખ્ય કેનાલ પસાર થાય છે. જેમાં આજે રવિવારે સવારે 11:30ની આસપાસ અહીંયા કોઈ મહિલાએ નહેરના પાણીમાં ઝંપલાવ્યું હોવાની વાત નડિયાદ સ્થિત ફાયર કન્ટ્રોલને મળી હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ 5 જેટલા તરવૈયાઓ અને જરૂરી સાધન સામગ્રી સાથે બનાવ સ્થળે દોડી આવી હતી. પરંતુ સ્થળ પર મહિલાના વાલીવારસો કે અન્ય પ્રત્યદર્શી વ્યક્તિ પણ હાજર નહોતા.
આમ છતાં પણ માનવતાની દ્રષ્ટિ દાખવી ફાયરબ્રિગેડના તરવૈયાઓએ નહેરના પાણીમાં શોધખોળ આદરી હતી. કોલેજ ધોધથી સિવિલ ગરનાળા સુધી આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરાઈ હતી પરંતુ કોઈ વ્યક્તિ મળી આવ્યું નહોતું. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા જોવા આવી ગયા હતા. ચર્ચાતી વાતો મુજબ યુવક-યુવતી ઝઘડતાં ઝઘડતા આવ્યાં હતાં અને એ પૈકી યુવતીએ કેનાલમાં છલાંગ લગાવી હોવાની વાતોએ જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.