તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિવસ:નડિયાદની અનોખી શાળા જ્યાં બાળકોને ભણતરનો કક્કો તો શીખવાડાય છે સાથે સાથે સંસ્કૃતિની પણ અપાય છે સમજ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીવાદી શિક્ષકે શાળામાંજ તુલસીવન ઊભુ કરી ઘેર ઘેર તુલસીના છોડ આપ્યા
  • આઝાદીના અમૃત મહોત્સવની પ્રેરક ઉજવણી કરતી વાલ્લા પ્રાથમિક શાળા
  • આ શાળાએ વાલ્લા ગામ અને નડિયાદ વિસ્તારમાં 750 ઘરમાં 750 તુલસી છોડ અર્પણ કર્યા
  • ઘર ઘર તુલસીની વૈદિક સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રેરક પ્રયાસ
  • વાલ્લા શાળાએ 101 તુલસી(વૃંદા)ના છોડનું શાળામાં રોપણ કરી તુલસીવન(વૃંદાવન)નું કર્યું નિર્માણ

હાઈફાઈ જીવન પાછળ સમાજ અને સંસ્કૃતિથી વ્યક્તિ વિમુખ થઈ રહ્યો છે. આ વચ્ચે નાનપણથી જ બાળકોને આપણી વૈદિક સંસ્કૃતિ પ્રત્યે આસ્થા જળવાઈ રહે તે હેતુથી નડિયાદના નાનકડા ગામ એવા વાલ્લા ગામની શાળાએ અનોખો પ્રયાસ કર્યો છે. જેમાં બાળકોને શિક્ષણનો કક્કો તો શીખવાડાય જ છે, સાથે સાથે સંસ્કૃતિનો પાઠ પણ ભણાવાય છે. જે હેતુસર શાળાના ઉપાચાર્ય અને આચાર્ય એ મહામહેનતે શાળાના કંપાઉન્ડમાં તુલસીવન ઊભું કરી આ તુલસીના છોડનું ગામમાં તેમજ નડિયાદમાં વિતરણ કર્યું છે.

નડિયાદ તાલુકાના વાલ્લા ગામની પ્રાથમિક શાળા આઝાદીનો અમૃત મહોત્સવ નોખી અનોખી અને પ્રેરક રીતે ઉજવણી કરી રહી છે. વાલ્લા ગામ અને નડિયાદ વિસ્તારના 750 ઘરમાં 750 જેટલા તુલસીના છોડ અર્પણ કરી શાળાએ ઘરોઘર તુલસીની વૈદિક સંસ્કૃતિ જીવંત કરી છે. તુલસીએ એક જીવનામૃત ઔષધ છે. તેની સાથે ધાર્મિક લાગણી પણ જોડાયેલી છે. સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ આ ઔષધિ ખુબજ ગુણકારી છે. અસંખ્ય રોગમાં તે રામબાણ ઈલાજ છે. તુલસી વાતાવરણ શુદ્ધ કરનાર છે, હૃદયને બળ આપનાર, પ્રાણવાયુ આપનાર ગણી શકાય છે.

આ ઉપરાંત મૂત્રદાહ મટાડનાર, ચર્મરોગ નાશક, તણાવ નાશક, કોલેસ્ટ્રોલ અને વજન નિયંત્રિત કરનાર અને પાચન શક્તિ વધારનાર સોના જેવી ઔષધ છે. ચરક સંહિતાનાં તેનો અપાર મહિમા કર્યો છે. શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે ઘરોઘર જઈને તુલસી છોડ સાથે "તુલસીના ચમત્કારિક ગુણ "નામે પુસ્તિકાઓ પણ આપી છે. ગામમાં શાકભાજીની ફેરી કરતાં ભીખુમીયાં મલેકની હાથ લારીમાં આ છોડ અને પુસ્તિકાઓ ગોઠવી ઉત્સાહી વિદ્યાર્થીઓ સાથે ઢોલ નગારા તથા ઘંટનાદ સાથે સરઘસાકારે સૌના ઘરે જઈને આ છોડ આપ્યા છે.

આ પુસ્તિકાઓનું સૌજન્ય ગાયત્રી પરિવાર-આણંદના કાર્યકર નિત્યાનંદ પટેલ તરફથી મળ્યું તો તુલસીના છોડ માટે સચીન પંચાલ અને કૌશિક ગોર ખૂબ મદદરૂપ બન્યા હતા. ઘરોઘર વિતરણ વ્યવસ્થામાં આચાર્ય જયપાલસિંહ ઝાલા, નયનાબેન બ્રહ્મભટ્ટ, સતીશ પટેલ, નિર્મલ પટેલ અને વિદ્યાર્થીઓ ફરહાન મલેક, રાજવીર સોઢા,મહેક મલેક, રીદ્ધી રાવળ, નીશા રાવળ, હેત પટેલ, શ્લોક ગોસ્વામી, જિમિલ પારેખ, વસંત પરમાર, ધ્યાના પટેલ, કેદાર ગોસ્વામી ખૂબ ઉપયોગી બન્યા હતા.

હિતેશકુમાર બ્રહ્મભટ્ટે તુલસીના 75 ઔષધ ઉપચાર સાથે ઘર ઘર તુલસી-ગુણકારી તુલસી નામે પુસ્તિકા જાતે તૈયાર કરી વિતરણ કરેલ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે શાળામાં 101 તુલસી (વૃંદા) રોપણ કરીને તુલસીવન (વૃંદાવન) તૈયાર કર્યું છે .જેમાં આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા શિક્ષકો ખૂબ સહયોગી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...