ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો:સાવધાન ઈન્ડીયા સિરીયલનું અનુકરણ કરી તસ્કરે પોલીસને ઉલ્લુ બનાવી, આખરે પકડાયો

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા 10.60 લાખના મુદ્દામાલ સાથે તસ્કરને ઝડપી લીધો

સાવધાન ઇન્ડીયા સિરીયલમાંથી અનુકરણ કરી નડિયાદ શહેર વિસ્તારમાંથી તાજેતરમા થયેલ રૂપિયા 10 લાખ 60 હજારના મત્તાની ચોરી આચરનાર તસ્કરને નડિયાદ પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરતા ત્રણ ગુનાના પડદા પરથી પડદો ઉંચકાયો છે.

નડિયાદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જી.એસ શ્યાનના સીધા માર્ગદર્શન હેઠળ સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ ટાઉન પોલીસે ગુનાઓની શોધવા માટે તપાસ હાથ ધરી હતી. પો.સ.ઈ જે.એસ.ચંપાવત તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. દરમ્યાન નડિયાદ કબ્રસ્તાન ચોકડી તરફ જતા પોલીસને બાતમી મળી હતી કે, અગાઉ ચોરીઓના ગુનામા પકડાયેલ નિલેશ ઉર્ફે નીલીયો રંગીતભાઇ તળપદા સફેદ કલરનાં એકટિવા સાથે રીંગ રોડથી બારકોસીયા રોડ ઉપર થઇ મરીડા ભાગોળ તરફ જનાર છે.

જે બાતમીના આધારે નડિયાદ બારકોસીયા રોડથી નવા બીલોદરા તરફ જવાના રોડ ઉપર આવતી નહેર પાસે પોલીસે વોચ ગોઠવી હતી આ વોચ દરમિયાન આરોપીને એકટિવા તથા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સાથે આવતા પોલીસે તેને પકડી પુછપરછ કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.

સાવધાન ઈન્ડિયા ટીવી સિરિયલના એપિસોડ જોઈને ગુનાખોરી કેવી રીતે કરવી તેની માહિતી એકત્ર કરી આ તસ્કરે ચોરીને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તસ્કરે પોલીસને ભટકાવવા માટે ચોરીનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો તેણે સૌ પ્રથમ નડિયાદ એકલવ્ય ભીલવાસમાં આવેલ ખુલ્લા ઘરમાંથી મોબાઇલની ચોરી કરી તે મોબાઇલ લઇને ચકલાસી ભાગોળ, ફતેપુરા રોડ ઉપર આવેલ ખુલ્લા મકાનમાં ચોરી કરવા ગયો હતો. ચોરી કરી આ ચોરેલ મોબાઈલ ચોરીવાળા સ્થળે છોડી દીધો હતો.

થોડે આગળ શુભમ સોસાયટીમાંથી એકટીવાની ચોરી પણ કરી હતી. નડિયાદ ચકલાસી ભાગોળમાં આવેલા મકાનમાં મોટી ચોરી થઈ તેની તપાસમાં ગયેલી પોલીસને મોબાઇલ મળ્યો તે વખતે પોલીસને લાગ્યું કે તસ્કરો ચોરી કર્યા બાદ મોબાઈલ ભૂલી ગયો છે એટલે આ મોબાઈલ પોલીસને થોડા સમય માટે ગુમરાહ કરી દીધો હતો. પરંતુ જેનું મોબાઈલ હતો તે માણસ સજ્જન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. એટલે એના પર શંકા કરવી ખોટી હતી સાવધાન ઇન્ડીયા સિરીયલના એપીસોડ જોઈ નીલેશે ક્રાઇમ આઇડીયાઓનું અનુકરણ કરી પોતે આ ચોરીઓના ગુનાઓમાં ન પકડાય તે માટે એક જગ્યાએથી મોબાઇલની ચોરી કરી બીજા ચોરીના સ્થળે મુકી પોલીસ તપાસ બીજી દિશામાં વળે તે હેતુસર ચોરેલ મોબાઈલને બીજી ચોરીવાળી જગ્યાએ છોડી દિધેલાની કબુલાત કરી હતી.

પકડાયેલ આરોપી નિલેષ ઉર્ફે નિલીયો રંગીતભાઇ તળપદા (રહે નડિયાદ, ડભાણ કમળા રોડ ભરતભાઇના પીઠામાં મુળ રહે.નડીયાદ ચકલાસી ભાગોળ કુમાર પેટ્રોલપંપ પાસે તા.નડીયાદ)ની વધુ પુછતાછ હાથ ધરી છે. આરોપી પાસેથી 10 લાખ 60 હજારના ચોરીના મુદ્દામાલ રીકવરી કરવામાં સફળતા મળી છે. આમ પોલીસે આ તસ્કરની તપાસમાં ત્રણચોરીના ભેદ ખોલ્યા છે.

આરોપી પાસેથી રીકવર થયેલ મુદ્દામાલની વિગતો પર નજર
-11 તોલા સોનાના દાગીના
- ચાંદીના દાગીના
-રોકડ રકમ રૂપિયા 1 લાખ 2 હજાર
-એક સફેદ કલરનું એક્ટીવા નં. (GJ 07 CJ 6961)
-એક વીવો કંપનીનો વાય 71 મોડેલનો મોબાઇલ ફોન

અન્ય સમાચારો પણ છે...