તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપંચના પીધેલા પતિની દાદાગીરી:નડિયાદ પાસેના રાણીપોરડામાં કોવિડ સેન્ટરના ખર્ચા બાબતે તલાટીને TDOની હાજરીમાં જ ફટકાર્યો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદેશ કરનારા ટીડીઓની હાજરીમાં જ મહિલા સરપંચના પતિએ ખર્ચાની ના પાડી ને માર માર્યો

ખેડામાં સરપંચ પતિએ દંબગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. ઠાસરાના એક ગામમાં કોવિડ કેર સેન્ટરના ખર્ચ બાબતે સરપંચ પતિએ તલાટી સાથે હાથ ચાલાકી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કોરોના પર કાબુ મેળવવા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયુ છે. જે અભિયાન અંતર્ગત ઠાસરાના રાણીપોરડા ગામમાં જસુના મુવાડામાં આઈસોલેશન સેન્ટર બનાવવાની કામગીરી શરૂ થઈ હતી.

ગઈકાલે અચાનક ગામમાં એક સાથે 7 પોઝીટીવ દર્દી નોંધાતા જસુના મુવાડા પ્રાથમિક શાળામાં 10 બેડ લાવી કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરી સારવાર આપવાનું શરૂ કરાયુ હતુ. જેેના અંદાજિત 6થી 7 હજારના ખર્ચ બાબતે તલાટીએ સરપંચને ટેલિફોનીક જાણ કરતા સરપંચના પતિએ ખર્ચ કરવાનો ઈન્કાર કર્યો હતો. આજે આ સેન્ટર પર તાલુકા વિકાસ અધિકારી પી. સી. સુમેરા મુલાકાતે આવ્યા હતા. જ્યાં તલાટી આર. એમ. પંજાબી હાજર હતા. સરપંચ જશીબેન રાઠોડ ગેરહાજર હોવાથી તાલુકા વિકાસ અધિકારીએ તેમને બોલાવવા જણાવ્યુ હતુ.

સરપંચના પતિ રંજીતસિંહ રાઠોડ સ્થળ પર આવ્યા હતા અને તેમણે તલાટી સાથે ખર્ચ બાબતે માથાકૂટ શરૂ કરી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે, સરપંચ પતિએ ભાન ભૂલી અને મર્યાદાઓ તોડી તલાટી સાથે હાથચાલાકી કરી હતી. જેમાં તલાટીને ઈજા પણ થઈ હતી. સ્થળ પર હાજર TDO તલાટીને લઈ ઠાસરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરપંચ પતિ રંજીતસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.

દારૂ પીને મારી પર હૂમલો કર્યો
ટીડીઓની હાજરીમાં કોવિડ સેન્ટરની તૈયારી ચાલતી હતી. જેમાં સરપંચે સહયોગ ન આપ્યો અને દારૂ પીધેલી અવસ્થામાં આવી મારી સાથે ઝઘડો કરી હુમલો કર્યો. - આર. એમ. પંજાબી, તલાટી

66 પં.ના 20 તલાટીઓની ચીમકી, સહન નહીં કરીએ
આ ઘટના બનતા જ ગણતરીના કલાકોમાં ઠાસરા તાલુકાના 66 ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઓમાં રોષ વ્યાપ્યો હતો. 66ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા 20 જેટલા તલાટીઓ તાત્કાલિક તાલુકા પંચાયતના પટ્ટાંગણમાં ભેગા થઈ ઘટનાને વખોડી નાખી હતી. તેમજ સહન નહી કરીએ તેવી ચીમકી આપી ન્યાયની માંગ કરી હતી.

ફરિયાદની નકલ મળતા પગલા ભરાશે
તાલુકા વિકાસ અધિકારી પી. સી. સુમેરા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, તલાટીને મારવાની સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ થવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. ફરિયાદની નકલ અમારી પાસે આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...