સ્વચ્છતા સર્વેક્ષણ:નડિયાદની શાળા-કોલેજો સહિત એકમોમાં પાલિકાનું સ્વચ્છતા સર્વેક્ષણ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છતા સર્વેક્ષણ માટે પાલિકા દ્વારા ફોર્મ બહાર પડાયું ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ ટોપ-5 એકમો જાહેર કરાશે

નડિયાદ નગરપાલિકાએ શહેરની શાળા-કોલેજો, ઉદ્યોગો, હોટલો, સામાજીક સંસ્થાઓ સહિત અનેક એકમોમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી સર્વેક્ષણનું આયોજન કર્યુ છે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે પાલિકા દ્વારા એક ફોર્મ બહાર પાડવામાં આવ્યુ છે, જે નગરપાલિકાના સેનેટરી ઈન્સપેક્ટરોને આપી તેમના વિસ્તારોમાં આવેલા એકમોમાં વહેંચાવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા શહેરમાં આવેલા ખાનગી અને સરકારી એકમોની સફાઈ પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા એક ફોર્મ જાહેર કરાયુ છે. જે શહેરની સફાઈની કામગીરી સંભાળતા સેનેટરી ઈન્સપેક્ટરોને આપવામાં આવ્યા છે. ઉપરાંત ઓનલાઈન પણ લોકો માટે સોશિયલ મીડિયાના માધ્યમો પર મુકાયુ છે. જે-તે સ્કૂલો, કોલેજો, સામાજીક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, સોસાયટીઓ સહિતના અનેક એકમોના અગ્રણીઓએ આ ફોર્મ ભરી નડિયાદ નગરપાલિકામાં ભરીને સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેવાનો રહેશે.

અત્યાર સુધી અંદાજીત 140 ફોર્મનું વિતરણ થયુ છે, જે પૈકી 120 જેટલા પરત આવ્યા છે. હજુ કેટલાક દિવસ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ એકમોની તપાસ હાથ ધરવામાં આવશે, જે પૈકી જે એકમો સૌથી સ્વચ્છ લાગશે, તેમને ટોપ-5 સ્વચ્છ એકમ તરીકે જાહેર કરાશે. ગયા વર્ષે નડિયાદની કલેક્ટર કચેરી સ્વચ્છતા સર્વેક્ષણમાં અવલ્લ રહી હતી. ત્યારે આ વર્ષે સામાજીક સંસ્થાઓ, સ્કૂલ અને સોસાયટીઓના રહીશોએ તેમાં ભાગ લીધો છે.

નગરની સુખાકારી માટે પ્રોજેક્ટ હાથ ધર્યો છે
સ્વચ્છતાની જન જાગૃતિ માટે સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાયો છે. શાળા-કોલેજો, હોટલો, સામાજીક સંસ્થાઓ તમામ સ્થળોએ સર્વેક્ષણ કરાશે, પ્રજાહિત અને નગરજનોની સુખાકારી માટે સ્વચ્છતા પ્રાથમિક જરૂરીયાત છે, જેથી લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર સર્વેક્ષણ કરાશે. > પંકજભાઈ વાઘેલા, ઈન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સપેક્ટર.

જણાવો આપનો મત : નડિયાદમાં પાલિકા દ્વારા કરાતી સફાઇથી આપ સંતુષ્ટ છો ?
નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓ અને સ્થળે સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગની કામગીરી હાથ ધરાઇ છે. પાલિકા દ્વારા આપના વિસ્તારમાં કરાતી સફાઇની કામગીરીથી આપ સંતુષ્ટ છો કે નહીં તેનો ‘હા’ કે ‘ના’ માં જવાબ અમને વ્હોટ્સઅપ નંબર 97275 59696 પર મોકલી શકો છો. આપે મેસેજમાં આપનું નામ, સોસાયટી/વિસ્તારનું નામ અને જો આપ સફાઇની કામગીરીથી સંતુષ્ટ હો તો ‘હા’ અને સંતોષ ના હોય તો ‘ના’ લખી અમને મોકલી શકો છો.

અન્ય સમાચારો પણ છે...