તહેવાર માતમમાં ફેરવાયો:મહેમદાવાદના વિરોલ પાટીયા પાસે હિટ એન્ડ રન, ફરજ પૂરી કરી પરત ફરી રહેલા પોલીસ કર્મીને અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસ્વીર
  • અજાણ્યા બાઈક ચાલકે પોલીસ કર્મીની બાઈકને ટક્કર મારતાં પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત
  • મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

દિવાળી પર્વમાં કે અન્ય તહેવારોમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો હોય છે જેથી તહેવારોમાં અકસ્માત ન થાય તે માટે પુરતું ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે મહેમદાવાદના વિરોલ પાસે હિટ એન્ડ રનના બનાવમાં ફરજ પૂરી કરી પરત ફરતાં પોલીસ કર્મીનું અકસ્માતમાં મોત થયું છે. અજાણ્યા બાઈક ચાલકે પોલીસ કર્મીના મોટરસાયકલને ટક્કર મારતાં પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

મુળ કપડવંજ તાલુકાના પથોડા ગામના અને હાલ મહેમદાવાદ પોલીસ લાઇનમાં રહેતા ઈશ્વરભાઈ વાલાભાઈ પરમાર ખેડા કેમ્પ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. ગતરોજ બુધવારે તેઓ પોતાનું મોટરસાયકલ ચલાવીને ફરજ પરથી સાંજના સમયે પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન મહેમદાવાદના વિરોલ ગબાજીના મુવાડા નજીક તેમને અકસ્માત નડ્યો હતો. કોઇ અજાણ્યા મોટર સાયકલે ઈશ્વરભાઈના મોટરસાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં ઈશ્વરભાઈ મોટરસાયકલ પરથી રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ જતાં ઈજાગ્રસ્ત બાઈક ચાલક પોલીસ કર્મીને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તો બીજી બાજુ ઘટનાની જાણ ચાલકના પરિવારજનોને કરાતાં તેઓ તુરંત હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. ઈશ્વરભાઈ પોતે બે ભાન અવસ્થામાં હોવાથી તેમની હાલત ગંભીર હતી. તો બીજી બાજુ અકસ્માત બાદ ભેગા થયેલા વ્યક્તિઓએ ઉપરોક્ત ટક્કર મારનારા મોટર સાયકલનો નંબર નોંધી લીધો હતો. ઈશ્વરભાઈ પરમારનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું.

આ ઘટના સંદર્ભે પ્રવિણભાઈ પરમારે ટક્કર મારનારા બાઈક ચાલક વિરૂદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...