ખેડા જિલ્લામાં દારૂની બદીઓને અંકુશમાં લાવવા પોલીસ પ્રયાસ કરી રહી છે. આજે મંગળવારે એક બાજુ ગૃહ રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી ખેડા જિલ્લાની મુલાકાતે છે. ત્યારે તેની આગળની રાત્રીએ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા નડિયાદના ડભાણમાંથી લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂ કબ્જે કરાયો છે. આ પ્રકરણમાં બુટલેગર ઝડપાઈ ગયો છે, જ્યારે આ દારૂનો જથ્થો મૂકી જનારા અન્ય બુટલેગરનું નામ બહાર આવ્યું છે. પોલીસે રૂ. 3.54 લાખનો ઈંગ્લિશ દારૂ તથા વાહન મળી કુલ રૂપિયા 8 લાખ 59 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગઇકાલે સોમવારે એલસીબી પોલીસે નડિયાદ તાલુકાના ડભાણ ગામે રહેતા અને દારૂનો વેપલો કરતો સુનિલ ઉર્ફે મુન્નો અંબાલાલ પટેલને ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ બુટલેગરના ઘરમાંથી તથા ઘરના બહાર બંધ બોડીના પીક-અપ ડાલામાં છુપાયેલો કુલ 780 બોટલો કિંમત રૂપિયા 3 લાખ 54 હજારનો ઇંગ્લિશ દારૂ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા બુટલેગર સુનિલ ઉર્ફે મુન્નો અંબાલાલ પટેલની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો નડિયાદમાં સાવલીયા પંપીગ સ્ટેશન પાસે રહેતો ગિરીષ શંકરલાલ પ્રજાપતિ મૂકી ગયો હોવાનું પોલીસ સમક્ષ બુટલેગરે કબૂલ્યું હતું. આથી પોલીસે બંને ઈસમો સામે ગુનો નોંધી ઉપરોક્ત દારૂનો જથ્થો તથા વાહન મળી કુલ રૂપિયા 8 લાખ 59 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.