રાહત:ખેડા જિલ્‍લામાં કોરોના સામેના જંગમાં દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે 50 લાખનું ભંડોળ દાતાઓ દ્વારા આપવામાં આવ્‍યું

નડિયાદ8 મહિનો પહેલા
  • નડિયાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે જ 21 ટન લિકવિડ સ્‍ટોરેજની ક્ષમતા ઉપલબ્ધ થઇ
  • ધારાસભ્‍ય, ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ અને જિલ્‍લા કલેકટરે દાન માટે અપીલ કરી હતી

ખેડા જિલ્‍લામાં કોરોના સામેના જંગમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા માટે તેમજ કોરોનાની સારવાર માટે દર્દીઓને ઓક્સિજનની આવશ્યકતા રહેતી હોવાથી ઓક્સિજન ટેન્‍ક બનાવવા માટે રૂપિયા 50 લાખની જરૂરીયાત હતી. આ જરૂરીયાતને ધ્યાને રાખી સ્‍થાનિક ક્ક્ષાએ આ સગવડતા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ અને જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલએ ઓક્સિજનની બાબતે સિવિલ હોસ્‍પિટલને સ્‍વનિર્ભર કરવાનું સ્‍વપ્‍ન સાર્થક કરવા દાન માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સારો પ્રતિસાદ સાંપડયો હતો અને ટુંક સમયમાં જ જરૂરીયાત મુજબનું રૂપિયા 50 લાખનું માતબર ભંડોળ જિલ્‍લાના દાતાઓ દ્વારા આપવામાં આવ્‍યું હતું.

આ કામગીરી ઝડપથી પુરી કરવા માટે જિલ્‍લાના અગ્રણી પદાધિકારીઓ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તાત્‍કાલિક કામગીરી કરવામાં આવી હતી. સ્‍ટોરેજ ટેન્‍ક, તેનું ઇન્‍સ્‍ટોલેશન અને તેમાં ઓકિસજનનું સ્‍ટોરેજ પણ આજે પૂર્ણ થતા વિધાનસભાના દંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ અને સિવિલ સર્જન તૃપ્‍તિબેન શાહના વરદ હસ્‍તે ઓક્સિજન ટેન્‍કમાંથી સિવિલના દર્દીઓને ઓક્સિજન આપવાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.

વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇએ જણાવ્‍યું હતું કે, નડિયાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે 21 ટનની સ્‍ટોરેજ લિકવિડ ઓક્સિજન ટેન્‍ક પુરેપુરા ડોનેશનના આધારે બનાવવામાં આવી છે. આ ટેન્‍ક દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણી જરૂરીયાત 24 કલાક દરમ્યાન 18 ટનની હોય છે. તેની સામે આ 21 ટનની ટેન્‍ક મળવાથી આપણને ખૂબ જ મોટી રાહત થઇ છે.

ઓક્સિજન જામનગરથી મંગાવવામાં આવતો ત્યારે ઓક્સિજન નડિયાદ સુધી પહોંચતા સમય લાગતો હતો અને દર્દીઓની જરૂરીયાત મુજબ અંદાજે 4 ટન જેટલો ઓક્સિજન ખૂટતો હતો. રૂ.50 લાખના ખર્ચથી મુકવા માટે કલેકટર આઇ.કે.પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ આહવાન કરતાની સાથે જ દાનવીરો દ્વારા દાન આપી આ મહામારીમાં આવી પડેલ આફતની પળોમાં સહભાગી થવાની સાથે સાથે સેવાની સરવાણી વહાવી હતી.

આ કામમાં સાંસદ, ધારાસભ્યનો પણ સંપૂર્ણ સાથ સહકાર આપેલ જેના કારણે જરૂરીયાત મુજબની રકમ મળી ગઇ હતી. જિલ્‍લાના અને નડિયાદના દાતાઓ દ્વારા માતબર દાન પણ આપવામાં આવ્‍યું છે. તે તમામનો દંડકે આભાર વ્‍યકત કર્યો હતો.

આ મહામારીમાં આ દાન મળતા તેનું મહત્‍વ ખુબ જ વધી ગયું છે. આજે અંદાજે (15) પંદર ટન ઓક્સિજન ટેન્‍ક કે જેની કિંમત રૂપિયા પાંચ લાખ જેટલી થાય છે તે ઓક્સિજન પૂરો પાડતી કંપની શક્તિ ઇન્‍ડસ્‍ટ્રીયલ ગેસીસ, વડોદરા દ્વારા ડોનેટ કરવામાં આવી છે. તેઓનો પણ આ તબક્કે આભાર માન્‍યો હતો. આમ, આ ઓક્સિજન ટેન્‍ક કાર્યરત થવાથી જિલ્‍લા વહિવટી તંત્ર અને સિવિલ હોસ્‍પિટલના તબીબોને મોટી રાહત થઇ છે. ઓક્સિજન માટેની દોડધામ અટકી ગઇ છે અને દર્દીઓને સરળતાથી સારવાર મળતી થશે.

જયારે સાંસદ દેવુસિંહ ચૌહાણએ આ તબક્કે જણાવ્‍યું હતું કે, આ વૈશ્ર્વિક મહામારી કોરોનાની લડાઇમાં આપણા જિલ્‍લામાં જાગૃતતાના કારણે જિલ્‍લાના વહિવટીતંત્રએ પ્રજાજનોને ઓછી તકલીફ પડે તે માટે ખુબજ મહેનત કરી છે. આ મોંધવારીમાં કોરોનાના ટેસ્‍ટ ઝડપથી થાય અને તેનો રીપોર્ટ પણ વહેલી તકે આવે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ દરેક જિલ્‍લામાં RT-PCRની ટેસ્‍ટીંગની લેબોરેટરી ઝડપથી કાર્યરત કરી છે.

આજે નડિયાદ સિવિલ ખાતે પણ આજે આ લેબોરેટરી ચાલુ થતા દર્દીઓને ખુબ જ ટુંકાગાળામાં તેનો રીપોર્ટ મળશે અને સારવાર વહેલ તકે થઇ શકશે, જીવ બચાવે શકાશે તે માટે રાજય સરકારનો આભાર વ્‍યકત કર્યો હતો. આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારી બચાણી, જિલ્‍લા સિવિલ સર્જન તૃપ્‍તિબેન શાહ, આરએમઓ ર્ડા. નાસર, ર્ડા.મનીષ જાડાવાલા તથા મોટી સંખ્‍યામાં સિવિલના તબીબો ઉપસ્‍થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...