તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:નડિયાદમાં આવતીકાલે રિક્ષાચાલકોની રેલી, પોલીસ દમનના વિરોધમાં રિક્ષા ચાલકો લડાયક મૂડમાં, કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરશે

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં રિક્ષાચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ફડાકાવાળી કરી વારંવાર રિક્ષાઓ ડિટેઇન કરવાની સાથે તોતિંગ રકમનો મેમો ફાડી રંજાડવામાં આવતાં હોવાના આક્ષેપ સાથે 1લી ડિસેમ્બરને મંગળવારે નડિયાદ એસ.ટી.સ્ટેશનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રિક્ષાચાલકો શાંતિપૂર્ણ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવનાર છે તેમ રિક્ષાચાલક ચેતનસિંહ રાવએ જણાવ્યું હતુ.

તેઓએ વધુમાં કહ્યું કે, નડિયાદ શહેરના રિક્ષાચાલક મોહમંદઇકબાલ અબ્દુલકાદર શેખ તથા મનોજભાઇ બાબુભાઇ અને પંકજ ભીખાભાઇ બારોટ સહિતના રિક્ષાચાલકોએ શનિવારે એસ.પી.કચેરીએ આવેદનપત્ર આપી આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. જે આવેદનપત્રમાં ટ્રાફિક કોન્સ્ટેબલ જીતુભાઇ કેસરીએ રિક્ષાડ્રાઇવર મોહંમદઇકબાલ અબ્દુલકાદર શેખની રિક્ષા પંદર દિવસમાં બીજીવાર રિક્ષા ડિટેઇન કરી તેને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવા બાબત તેમજ મનોજભાઇ બાબુભાઇને પોલીસમેન જીતુભાઇએ માર મારી મોબાઇલની લૂંટ કર્યાનો અને રિક્ષાડ્રાઇવર પંકજ ભીખાભાઇ બારોટને કોન્સ્ટેબલ જીતુભાઇ કેસરીએ ધાકધમકી આપી ગાળો બોલી તમામની રિક્ષા ડિટેઇન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

રિક્ષાચાલક અગ્રણી ચેતનસિંહ રાવના જણાવ્યા મુજબ નડિયાદ ટ્રાફિક પોલીસ જીતુભાઇ કેસરીની બદલીની માગણી સાથે આશરે 150 જેટલાં રિક્ષાચાલકો પહેલી ડિસેમ્બરે સવારે 11/30 કલાકે એસ.ટી.સ્ટેશન પાસે ભેગા થઇ શાંતિપૂર્ણ રીતે પગપાળા રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપશે. આ રેલીમાં તમામ રિક્ષાચાલકો વર્તમાન વૈશ્વિક મહામારી કોવિડ-19ની સરકારી ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જોડાશે. છેલ્લા લાંબા સમયથી શહેર અને જિલ્લા ટ્રાફિક પોલીસની કનડગત વેઠી રહેલા રીક્ષાચાલકો અંતે એક થઇને લડતના મૂડમાં આવ્યા છે અને ખોટી હેરાનગતિ સામે અવાજ ઉઠાવી, પોલીસ કર્મચારીની બદલીને ઉગ્ર માંગ કરી રહ્યા છે.

કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમય દરમિયાન રિક્ષાચાલકોને બે માસ સુધી કોઇ કામધંધો ન મળતા ભારે ખોટ ગઇ હતી અને તેઓને ઘર ચલાવવાના પણ ફાંફા પડી ગયા હતા. ત્યારે હાલના સંજોગોમાં પુનઃ રિક્ષાચાલકો માર્ગો ઉપર રિક્ષા ચલાવીને પેટીયું રળી રહ્યા છે ત્યારે પોલીસતંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના બહાને ખોટી રીતે દંડ વસૂલી ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેના કારણે નડિયાદ શહેરના રિક્ષાચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...