તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:મહીસાગરના વિરપુર પંથકમાં થયેલી યુવકની હત્યા આડાસંબંધનો વહેમ રાખી કરાઈ હોવાનો ખુલાસો

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યારાએ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો

મહીસાગર જિલ્લાના વિરપુર પંથકમાં 48 કલાક પહેલા બનેલ હત્યાના પ્રકરણનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ આડાસંબંધ બાબતેની રીસ રાખી યુવાનની હત્યા કરી નાખી હોવાનું પર્દાફાશ થયો છે. હત્યારાએ હત્યાને અકસ્માતમાં ખપાવી પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યો છે. અંતે સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાતાં સત્ય હકીકત બહાર આવી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ 7મી જુલાઈના રોજ વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટા ગામના મુકેશભાઇ અર્જનભાઇ પગીનો નજીકના રોડ પર અકસ્માતગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મોટરસાયકલ નીચે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ વિરપુર પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

પ્રાથમિક તપાસમાં મુકેશભાઈના મૃતદેહ પર કોઈએ મોટરસાયકલ મુક્યું હોવાનું પોલીસને ગંધ આવતાં આ દિશામાં તપાસ હાથ ધરી હતી. વધુમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ભાગે નિશાન જોવા મળ્યા હતા અને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ મારમાર્યો હોવાનું જણાતાં પોલીસને શંકા ગઇ કે આ અકસ્માત નહીં પરંતુ હત્યાનો ગુનો છે. આથી વિરપુર પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મહિસાગર પોલીસ વડાએ ગુનાની ગંભીરતા લઈને પોલીસની જુદી જુદી એલસીબી, એસ ઓ જી, સીપીઆઇની વિવિધ ટીમો આ હત્યાના ઉકેલ માટે કામે લાગી ગઈ હતી.

મૃતક મુકેશભાઈ પગીના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. સાથે સાથે આસપાસ રહેતા લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. જે દરમિયાન પાટાં ગામના સુરેશભાઇ માનાભાઇ પગીને મરણ જનારની પત્ની સાથે આડાસંબધો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આથી સુરેશને કસ્ટડીમાં લઈ પોલીસે ઉલટ તપાસ કરતાં તે પોલીસની પુછતાછમાં ભાંગી પડ્યો અને મુકેશભાઈની હત્યા કરી હોવાનું એકરાર કર્યો હતો. કારણ પુછતાં આરોપી સુરેશે જણાવ્યું હતું કે મરણ જનાર મુકેશભાઇ અર્જનભાઇ પગી તેની પત્ની સાથેના આડા સંબધો અંગે વહેમ રાખી પોતાની સાથે અવાર-નવાર ઝગડો કરતો તથા મારી નાખવાની ધમકી આપતો હતો. જે બાબતે મનદુખ થતાં હત્યા કરી હોવાનું કબુલ્યું છે.

સુરેશે બનાવના સમયે મરણ જનારને ફોસલાવીને ખેરોલીથી પાંટા જવાના રસ્તા પાસે વળાંક નજીક બસ સ્ટેશનના પાછળના ભાગે કોતર નજીક મળવાનુ નક્કી કરેલ હતું. અને ત્યાં મુકેશ આવતા તેને છળ કપટથી લોખંડની પાઇપથી માથામાં ફટકો મારી નીચે પાડી દઇ ગળાના ભાગે સાડીની ટુપો આપી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ હકિકત બહાર ના આવે તે આશયથી મોટરસાઇકલ તથા લાશને રોડ ઉપર નાખીને અકસ્માતમાં ખપાવાની કોશીશ કરેલાની કબૂલાત આરોપી સુરેશે પોલીસ સમક્ષ કરી છે. આથી પોલીસે આ અંગે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...