ચાલુ વાહને ચોરી આચરી:કપડવંજના અંતિસરથી ડાકોરના મુળીયાદ વચ્ચે ચાલુ કન્ટેનરમાંથી રૂ. 2 લાખના કાપડના પાર્સલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ટ્રક ચાલકે કન્ટેનરનો દરવાજો ખુલ્લો હોવાનું જણાવતાં તેનું લોક તોડી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું
  • કન્ટેનર ચાલકે માલિકને જાણ કરતાં, તપાસ કરતાં 10 કાપડના પાર્સલો ચોરી થયા હોવાનો ઘટસ્ફોટ
  • કન્ટેનર ચાલકે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી

સુરતથી કાપડના પાર્સલો ભરી હરિયાણાના રોહતક ખાતે જઈ રહેલા કન્ટેનરને કોઈ તસ્કરે નિશાન બનાવ્યું છે. ખેડા જિલ્લાના અંતિસરથી ડાકોરના મુળીયાદ વચ્ચે ચાલુ કન્ટેનરમાંથી કોઈ શખ્સે રૂપિયા 2 લાખના કાપડના પાર્સલની ચોરી આચરી હતી. આ બનાવ સંદર્ભે કન્ટેનર ચાલકે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજસ્થાનના મકંદપુરા ખાતે રહેતા 43 વર્ષિય સુમનકુમાર બુધારામ યાદવ છેલ્લા ત્રણ વર્ષથી હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના ધુપલાણા ગામના હનુમાનસિંઘ યાદવના કન્ટેનર ટ્રક પર ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવે છે. ગત 12મી જાન્યુઆરીના રોજ તેઓ આ કન્ટેનર ટ્રક નં. (RJ 14 GJ 6046) લઈને સુરત ખાતે આવેલા હતા. જ્યાં રાજધાની ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી કન્ટેનરમાં માલસામાન લોડ કરાયો હતો. આમાં કાપડના 265 પાર્સલો લઈને હરિયાણાના રોહતક જવા રાતે નવ વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા.

ઉત્તરાયણ પર્વ હોવાથી તેમની સાથે કોઈ ક્લીનર નહોતા. જેથી તેઓ સુરતથી નીકળી વાયા ભરૂચ થઈને કરજણ-વડોદરા થઈને આણંદના ભાલેજ ટોલટેક્ષથી પણસોરા ચોકડી થઈ ખેડા જિલ્લામાં પસાર થઈ રહ્યા હતા. તેઓ અલીણા થઈને ડાકોર નજીક મહુધા ટી પોઈન્ટ થઈ મુળીયાદ ગામ પાસે આવેલ ટી સ્ટોલ પાસે વાહન ચેક કરવા ઊભા હતા. આ સમયે ચાલક સુમન યાદવે કન્ટેનરના પાછળનો દરવાજો પણ ચેક કર્યો હતો જે બરાબર હતો.

જેના પછી કન્ટેનર ચાલકે આગળ વાહન હંકારતાં લાડવેલ ચોકડી થઈ કપડવંજનું કાપડીવાવ પસાર કર્યુ હતું. વહેલી પરોઢે કપડવંજ ગ્રામ્ય પંથકમાંથી પસાર થતાં અન્ય ટ્રક ચાલકે સુમન યાદવને જણાવ્યું હતું કે તમારા કન્ટેનરનો પાછળનો દરવાજો ખુલ્લો છે. જેથી કન્ટેનર ચાલકે પોતાનું વાહન થોભાવી જોતાં લોક તૂટેલું હતું અને અંદર ભરેલા કાપડના પાર્સલો પૈકી અમૂક પાર્સલોની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આથી કન્ટેનર ચાલક સુમને ટ્રક કાપડીવાવ તરફ વાળી એક હોટલ પાસે ઉભી રાખી હતી. જેના પછી આ ઘટનાની ટેલીફોનિક જાણ તેમના માલિક હનુમાનસિંઘ યાદવને કરી હતી. આથી હનુમાનસિંઘે રાજધાની ટ્રાન્સપોર્ટના માલિક ગોવિંદરાય શર્માને જાણ કરતાં તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. આ બાદ કન્ટેનર ખોલાવી ચેક કરતાં કાપડના 10 નંગ પાર્સલો ઓછા હોવાનું જાણવા મળ્યું હતું. જેની કુલ અંદાજીત કિંમત રૂપિયા 2 લાખ છે. કન્ટેનર ચાલકે જણાવ્યું હતું કે કોઈ ઈસમે કપડવંજના અંતિસરથી ડાકોરના મુળીયાદ વચ્ચે ચાલુ કન્ટેનરમાંથી આ ચોરી આચરી છે. આ બનાવ સંદર્ભે કન્ટેનર ચાલક સુમન યાદવની ફરિયાદના આધારે કપડવંજ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...