કચરો નાખતા ચેતી જજો:નડિયાદ નગર પાલિકાની જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો પર લાલ આંખ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં થૂંકતા અને કચરો નાખતા લોકો ચેતી જજો : 172 લોકો પાસેથી 18 હજાર દંડ વસુલાયો

નડિયાદ નગરપાલિકાએ છેલ્લા બે માસ દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવતા નાગરીકો સામે લાલ આંખ કરી છે. જાહેરમાં કચરો નાખતા કે થૂંકતા દેખાયેલા લોકોને કાયદેસરનો દંડ ફટકારવામાં આ‌વ્યો છે. સેનેટરી વિભાગના વડા દ્વારા શહેરના જાહેર માર્ગોને સ્વચ્છ રાખવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર માર્ગો પર છેલ્લા બે માસમાં ગંદકી ફેલાવતા 172 લોકો પાસે દંડની વસુલાત કરવામાં આવી છે. જાહેરમાં થૂંકતા દેખાયેલા 84 લોકો પાસે 100 રૂપિયા લેખે 8400 જેટલો દંડ વસુલાયો છે. આ ઉપરાંત કચરો નાખતા પકડાયેલા 88 લોકો પાસે કચરાની માત્રા મુજબ દંડની વસુલાત કરાઈ છે.

કચરાની માત્રા ઓછી હોય અને જાહેરમાં નાખતા હોય તેવા 48 લોકો પાસેથી 50 રૂપિયા લેખે 2400 રૂપિયા જેટલો દંડ ઉઘરાવાયો છે, જ્યારે વધારે કચરો નાખતા હોય તેવા 40 લોકો પાસેથી 8 હજાર રૂપિયા જેટલો દંડ લેવાયો છે. નગરપાલિકા દ્વારા બે માસ દરમિયાન અંદાજીત 18 હજાર રૂપિયા જેટલો દંડ વસુલાયો છે.

ઈન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સપેક્ટર પંકજભાઈ વાઘેલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, શહેરના જાહેર માર્ગોને સ્વચ્છ રાખવા માટે પ્રયત્નો ચાલુ જ છે. ગંદકી ફેલાવનારા લોકો પાસે દંડ વસુલાતની ઝુંબેશમાં તમામ સેનેટરી ઈન્સપેક્ટર્સ અને સુપરવાઈઝરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...