નિર્ણય:ડાકોર - કઠલાલમાં રથયાત્રા : નડિયાદ, મહુધા, કપડવંજમાં રદયાત્રા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોરમાં રથયાત્રાની છેલ્લા દિવસોની તૈયારી. - Divya Bhaskar
ડાકોરમાં રથયાત્રાની છેલ્લા દિવસોની તૈયારી.
  • રવિવારે રાજા રણછોડરાયની નગરીમાં માત્ર ત્રણ કલાકમાં જગન્નાથજીની નગરચર્યા સંપન્ન થશે, રૂટ પર કફર્યુનો અમલ
  • પાવન પર્વને સતત બીજા વર્ષે કોરોનાનું ગ્રહણ, રથયાત્રાનો પરંપરાગત રૂટ યથાવત રખાયો પણ પૂર્ણાહૂતિના સમયમાં ઘટાડો

નડિયાદ ખેડા જિલ્લામાં કોરોના કાળમાં બીજીવાર રથયાત્રા પર કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું છે. જિલ્લામાં સ્થિતિ એવી બની છે કે યાત્રાધામ ડાકોરમાં કરફ્યુગ્રસ્ત રસ્તાઓ પર કોરોનાની એસઓપીના પાલન સાથે ભગવાન રાજા રણછોડની રથયાત્રા નીકળશે. કઠલાલમાં પણ ભારે નિયંત્રણ સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જ્યારે નડિયાદ, કપડવંજ અને મહુધામાં વર્ષોથી નીકળતી રથયાત્રા રદ કરી તેના સ્થાને માત્ર મંદિરમાં જ ખૂબ જ મર્યાદિત સેવક- ભકતો સાથે ભગવાન પરીસરમાં જ પરીક્રમા કરશે.

ડાકોરમાં રાજા રણછોડની રથયાત્રા સબંધે સત્તાવાળા દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ રથયાત્રાને પારંપરિક રુટ પર યોજવામાં આવશે. જોકે સરકાર દ્વારા અગાઉથી જ જાહેરાત કરી દેવાઇ છે કે રથયાત્રાના રૂટ પર સંપૂર્ણપણે કર્ફ્યુ રાખવામાં આવશે. જે ભક્તોને દર્શન કરવા હોય તે પોતાના ઘરની બાલ્કનીમાંથી જ દર્શન કરી શકશે. રથની નજીક કોઈ પણ ભક્તો ન જાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી છે.

ડાકોરમાં રવિવારે સવારે 8.30 વાગ્યે નીકળનારી રથયાત્રા ત્રણ કલાકમાં જ નીજ મંદિર પરત આવી જશે. મંદિરેથી નીકળતાં સાથે જ રથયાત્રા કોઇ સ્થળ પર રોકાશે નહી. ભગવાનની યાત્રા નિયત રૂટ પર નોનસ્ટોપ નીકળશે જે ગોળ ફરીને સીધી લક્ષ્મીજી મંદિર પહોચશે. અહીં ભગવાનની આરતી અને ભોગ ધરાવ્યા બાદ ભગવાન મંદિર પરત આવી જશે.

દરમ્યાન કઠલાલની રથયાત્રા 15 જ વ્યક્તિઓ સાથે યોજાશે. રામજી મંદિરથી નીકળનારી યાત્રા સતી પીપળી થઇ તેમના મોસાળ ભાવસારવાડમાં જશે, ત્યારબાદ નગરના મુખ્ય બજારમાં થઇ સાંજે પાંચ વાગ્યે ઉમીયા મંદિર થઇ પુજા આરતી કરી વિસર્જન થશે.

3 નગરોમાં ભગવાન જગન્નાથજી નહીં કરે નગરચર્યા
નડિયાદમાં ભક્તોના ઘરે નહી પધારે નારાયણ દેવ નડિયાદ શહેરમાં 220 વર્ષથી મોટા નારાયણ દેવ મંદિર થી રથયાત્રા નીકળે છે. દર વર્ષે મંદિરથી નીકળતી રથયાત્રા શહેરના આંતરિયાળ રૂટ પર ફરે છે. જે દરમિયાન ભગવાન 250 થી 300 ભક્તોના ઘરે પધરામણી કરતા હોય છે. પરંતુ કોરોના કાળ દરમિયાન ગત વર્ષે પણ રથયાત્રા નીકળી ન હતી, અને ચાલુ વર્ષે પણ મંદિર પ્રશાસન દ્વારા રથયાત્રા નથી નીકળવાનો નિર્ણય લીધો છે. મંદિરના કારભારી કે.કે.શાહે જણાવ્યું હતું કે નડિયાદમાં રથયાત્રાના માધ્યમથી ભગવાન ભક્તોના ઘરે ઘરે જતા હોય છે. પરંતુ કોરોના મહામારી ના અનુસંધાને આ વર્ષે અમે રથયાત્રા રદ્દ કરી છે. જોકે ભગવાનને રથમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં રથની પરિક્રમા કરવામાં આવશે, જેના દર્શન ભક્તો કરી શકશે.

મહુધામાં બીજા વર્ષેય રથયાત્રા પર કોરોનાના કારણે બ્રેક
મહુધામાં 100 વર્ષથી નિકળી રથયાત્રા બીજા વર્ષે પણ બંધ મહુધા શ્રી ગોપાલજી મંદિર 100 વર્ષ જુનુ છે. દર વર્ષે અહીં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષે કોવિડ-19ને કારણે રથયાત્રા મુલતવી રખાઇ હતી. જોકે, ભક્તો મંદિરે ભગવાનના દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. દર્શનના સમયગાળા દરમ્યાન પણ કોરોનાની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

કપડવંજના નારાયણદેવ મંદિરમાં જ ભગવાનની પરીક્રમા
કપડવંજના નારાયણ દેવ મંદિરમાંથી 200 વર્ષથી રથયાત્રા નીકળે છે. પરંતુ ચાલુ સાલે કોરોનાની ભીતિના પગલે નગરના માર્ગો પર યાત્રાની પ્રદક્ષિણા કરવાને બદલે મંદિર પરિસરમાં જ ફરશે. આજે યોજાયેલ બેઠકમાં વિવિધ શરતોને આધીન જેવી કે મંદિર પરિસરમાં એક સાથે ૬૦ થી વધારે વ્યક્તિ ભાગ થઈ શકશે નહીં. આમ વિવિધ ગાઇડલાઇનને ધ્યાન પર રાખતા મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજવાનું નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...