તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ડાકોરમાં લાખોની જનમેદની વચ્ચે યોજાતી રથયાત્રા આ વર્ષે જુજ સેવકો અને વૈષ્ણવો વચ્ચે સંપન્ન, લાખો ભક્તોએ ઘરે બેસી ડાકોરની નગરચર્યાના દર્શન કર્યા

નડિયાદ3 મહિનો પહેલા
ડાકોરના નાથની નગર ચર્ચા
  • દર વર્ષે 7થી વધુ કલાક ચાલતી આ રથયાત્રા ચાલુ વર્ષે માત્ર 2 કલાકમાં જ પૂર્ણ
  • જાંબુ, ફણગાયેલા મગ સહિતના પ્રસાદ પર પ્રતિબંધ મૂકાતા દર વર્ષે મોટા પ્રમાણમાં ઠલવાતા જાંબુ આ વર્ષે ડાકોરમાં નહિવત જોવા મળ્યા
  • યાત્રા પૂર્વ અસાઢી અમી છાંટણા, સવારના 8 વાગ્યે નીકળેલી રથયાત્રા 9 કિલોમીટર સુધી ફરી 10.10 કલાકે નીજમંદિર પરત ફરી
  • અગાઉ 11 સ્થળે ભગવાનની રથયાત્રાને અપાતો હતો વિરામ
  • લક્ષ્મીજી મંદિરમાં આરતીની વિધિ સિવાય નગરમાં ક્યાંય રોકાણ નહીં
  • સુમસામ રસ્તા પર બાળ સ્વરૂપ ભગવાન નગરચર્યાએ નીકળ્યા
  • હાથીની અંબાડીના બદલે બળદગાડામાં ભગવાનની સવારી
  • 55 રથયાત્રીકો સાથેની યાત્રામાં 200 થી વધુ પોલીસનો બંદોબસ્ત

ખેડા જિલ્લાના પવિત્ર ધામ ડાકોરમાં અષાઢી બીજના આગળના દિવસે પરંપરાગત નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આજે સંપન્ન થઈ છે. દર વર્ષે ધામધૂમથી ઉજવાતી આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. પરંતુ આ વર્ષે નીકળેલી આ રથયાત્રામાં ખુબ જ જુજ સેવકો અને વૈષ્ણવો હાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થતાં સરકારી તથા પોલીસ તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વની બાબત એ છે કે દર વર્ષે 7 કલાકથી વધુ સમય આ રથયાત્રા નગરચર્યા કરે છે, પરંતુ આ વર્ષે માત્ર 120 મીનીટમાં જ રથયાત્રા સંપન્ન થઈ પરત મંદિરે આવી ગઈ છે.

રથને નિજમંદિરમાં સેવકો દ્વારા ફેરવવામાં આવ્યો
યાત્રાધામ ડાકોરમાં 249મી રથયાત્રા રવિવારે યોજાઈ હતી. રણછોડજી મંદિરમાં રાજા રણછોડની મંગળા આરતી બાદ નિત્યક્રમ પ્રમાણે બંધ બારણે સેવા પૂજા કર્યા બાદ શ્રીજીનું અધીવાસન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથને નિજમંદિરમાં સેવકો દ્વારા ફેરવવામાં આવ્યો, શ્રીજી મહારાજને બિરાજમાન કરાવી ચાંદીના રથમાં મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યા ત્યાર બાદ ભંડારી બાબાની ગાદી પર શ્રીજીને લઈ જઈ પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારની એસઓપી હેઠળ રથયાત્રા મંદિરથી નીકળી
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારની એસઓપી હેઠળ રથયાત્રા મંદિરથી નીકળી

શાંતિપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રા પરત ફરતાં વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો
આ પછી લગભગ 8ને 5 મીનીટની આસપાસ નગરચર્યા માટે ભગવાન રથમાં બેસી નીકળ્યા હતા. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારની એસઓપી હેઠળ રથયાત્રા મંદિરથી નીકળી હતી. જે વડબજાર, ભરતભૂવન, નરસિંહની ટેકરી થઈને ગાયોનો વાડા, રણછોડપુરા, માખણીઓ આરો, નાની ભાગોળ, પટેલ ત્રણ રસ્તા, શ્રી લક્ષ્મીજી મંદિર, કાપડ બજાર થઈને પરત નીજ મંદિર પહોંચી હતી. નિયત સમય એટલે કે 11:30 પહેલા લગભગ 10ને 6 મીનીટે આ રથયાત્રા પરત મંદિરે આવી ચૂકી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રા પરત ફરતાં પોલીસ અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. લાખો ભક્તોએ ઘરે બેસી ડાકોરની નગરચર્યાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો જીલ્લા પોલીસ વડા પણ આ તબક્કે ખાસ હાજર રહ્યા હતા.

ચાંદીના રથને આ સાલ મંદિરથી જ બળદો સાથે જોડી નગર યાત્રા કરવાની ફરજ પડી છે. દર સાલ ભાવિક ભક્તો દ્વારા રથ ખેંચવામાં આવે છે. પરંતુ આ વખતે લાચારી સાથે શ્રીજીના દરેક પુજા વિધી કરાતાં સ્થળોને ટૂંકાવી દઈ અંદાજીત 8 કિમીનો રસ્તો પોલીસ કાફલા સાથે સિધોજ લક્ષ્મીજી મંદિરમાં લાવી દેવામાં આવ્યો હતો.

ઇન્ડિપિંડીની પરંપરાગત કપૂર કંકુની આરતી કરી નજર ઉતારવામાં આવી
ઇન્ડિપિંડીની પરંપરાગત કપૂર કંકુની આરતી કરી નજર ઉતારવામાં આવી

રથયાત્રામાં ચૂસ્ત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું
ડાકોરની જનતાએ રથયાત્રાના રૂટ પર સજ્જડ બંધ પાડી પોલીસ અને વહીવટી પ્રશાસનને પ્રતિસાદ આપ્યો છે. રથયાત્રામાં ચૂસ્ત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી ભગવાન નીજ મંદિર નહી ફર્યા ત્યાં સુધી પોલીસ પણ સ્ટેન્ડ ટુમાં રહી હતી. લગભગ 10ને 6 મીનીટે ભગવાન નીજ મંદિરમાં પધાર્યા હતા. આ સમયે ડાકોરના ઠાકોર રણછોડજીની નજર ઉતારવામાં આવી હતી. ઇન્ડિપિંડીની પરંપરાગત કપૂર કંકુની આરતી કરી નજર ઉતારવામાં આવી હતી.

દર વર્ષે ડાકોરમાં અષાઢી બીજે જાંબુ અને મગની બજારમાં બોલબાલા હોય છે. આ પ્રસાદનો ભોગ ઠાકોરજીને લગાવવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે સમગ્ર પ્રસાદ વિતરણ પ્રથા પર બ્રેક વાગતા બજારોમાં જાંબુ, મગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં નારાજગી વ્યાપી છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં ઠલવાતા જાંબુ આ વખતે જુજ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દર વર્ષે વાજતે ગાજતે અબીલ ગુલાલના છોડો સાથે હાથી પર શ્રીજીની સાહી સવારી નીકળે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાએ આ પર્વમાં બાધારૂપ બનતાં ભાવિક ભક્તોને ઘરે રહીને દર્શન કરવાની અને પર્વને સાદગીથી ઉજવવાની નોબત આવી છે.

રથયાત્રા ઝડપથી પૂર્ણ થવામાં કરફ્યું-પોલીસનો ફાળો
કોરોના કાળ પહેલા નીકળતી રથયાત્રા સમગ્ર દિવસ ફરી 10 કલાકે મંદિર પરત પહોચતી હતી. પરંતુ પહેલી વાર આ રથયાત્રા માત્ર સવા 2 કલાકમાં મંદિરે પરત પરત ફરી. જેની પાછળ પોલીસ અને કરફ્યુ નો મહત્વનો ફાળો રહ્યો. કરફ્યુગ્રસ્ત સુમસામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સળસળાટ રથયાત્રા નીકળતા ગણતરીના સમયમાં મંદિર પરત ફરી હતી.

રાજા રણછોડની માળા ગોપાલ લાલજી મહારાજને કેમ પહેરાવાય છે?
અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે, ત્યાં ભગવાનની મૂર્તિ રથમાં બિરાજમાન કરાવાયા છે. પરંતુ યાત્રાધામ ડાકોર માં ભગવાનની મૂર્તિ ને રથમાં બિરાજમાન કરી શકાય તેમ નથી. જેથી ભગવાન ના આદેશ રૂપી માળાને બાળ ગોપાલ લાલજી ને પહેરાવવામાં આવે છે. જેના થકી ભગવાન ગોપાલલાજીનું સ્વરૂપ ધારણ કરી સમગ્ર રથયાત્રામાં ફરે છે. જ્યારે રથયાત્રા પરત મંદિર આવે છે ત્યારે ઇન્ડી-પિંડી વિધિ કર્યા બાદ આદેશની માળા પરત રણછોડરાયજી ને પહેરાવવામાં આવે છે, જેના થકી પુન: ભગવાન રણછોડરાયજી સ્વરૂપે બીરાજમાન હોય છે.

લક્ષ્મીજી મંદિરે રોકાણ કેમ કરાયું?
કોરોના Sop ને કારણે રથયાત્રાના 11 માંથી 10 રોકાણ રદ્દ કર્યા. ત્યારે લક્ષ્મીજી મંદિરે એકમાત્ર રોકાણ અપાયું તેનું કારણ એ છે કે જ્યારે ભગવાન રણછોડરાય યાત્રાધામ ડાકોરમાં આવ્યા ત્યારે તેઓ સૌપ્રથમ લક્ષ્મીજી મંદિરમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ હાલના મંદિરનું નિર્માણ થતા રણછોડજી ભગવાનની મંદિરમાં પ્રતિષ્ઠા થઇ હતી. ત્યારથી દર શુક્રવાર, અગીયારસ અને રથયાત્રાના દિવસે ભગવાન અચૂક લક્ષ્મીજી ને મળવા જતા હોય છે.

11 પૈકી 10 કુંજમાં બિરાજમાન ન થાય ભગવાન
રથયાત્રાની પૂર્વ તૈયારી ઓ એક માસથી કરવામાં આવી રહી હતી. પૂર્ણિમા પછી રથને તૈયાર કરવામાં આવ્યા હતા. 249મી આ રથયાત્રામાં કોરોના કાળ ને કારણે સવારે 5 વાગ્યે મંગળા આરતી કરી. ઠાકોરજીને મહાભોગ, અધીકભોગ કરીને ઠાકોરજીને અધિવાસન (રથની પુજા) કરી ઠાકોરજીની માળા આજ્ઞા સ્વરૂપે લાલજી મહારાજ ને અર્પણ કરવામાં આવી. કોરોના કાળ ને અનુલક્ષીને વર્ષો જૂની કુંજ બંધ કરીને લક્ષ્મીજી મંદિર સિવાય એક પણ કુંજ પર બિરાજમાન થયા વગર ઠાકોરજી મંદિરે પરત આવ્યા હતા. અને ત્યારબાદ તેઓની ઇન્ડી-પિંડી ની વિધિ કરી હતી. જે બાદ ગોપાલ લાલજી મહારાજની આજ્ઞાની માળા ઠાકોરજીને પરત આપવામાં આવી. જેની ભાવના એવી છેકે રણછોડરાયજી પરત તેમના ધામમાં આવીગયા. જેમાં રણછોડજી પરત તેઓના મુળ સ્વરૂપમાં બિરાજમાન થયા તેવો ભાવ હોય છે.> વિનોદભાઇ ખંભોળજા, મુખ્ય પુજારી

અન્ય સમાચારો પણ છે...