નવા વર્ષની શરૂઆત:બેસતા વર્ષે રાજાધિરાજ રણછોડજીના મંદિરમાં અન્નકૂટ લૂંટવાની પરંપરા યથાવત

નડિયાદએક મહિનો પહેલા
  • રણછોડજી મંદિરમાં આજના દિવસનું અનેરુ મહત્વ હોય છે

યાત્રાધામ ડાકોરમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ભરવામાં આવે છે. ત્યાર બાદ આસપાસના આમંત્રિત ગ્રામજનો દ્વારા તેને લૂંટવાની પ્રથા છે. આજે યોજાયેલ આ અન્નકૂટમાં 2700 કિલોની ચોખ્ખા ઘીની બૂંદી, 20- મણ ભાત, 20 કિલોની શાકભાજી, 20 કિલોની ફડફડાદી તેમજ અન્ય ખાર્ધ ચીજોનો અન્નકૂટ સૌપ્રથમ ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આમંત્રિત ગ્રામજનોએ લૂંટ્યો છે. લગભગ 270 વર્ષોથી ચાલી આવતી આ પ્રણાલીકા છે.

અહીંયા નવા વર્ષના દિવસે અન્નકૂટ લૂંટવા માટે 80 ગામના ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવે છે. આમંત્રિત ગ્રામજનો ડાકોરની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ઉગાડા શરીરે કિલકારી અને ચિચીયારી પાડી આ પ્રસાદ લૂંટે છે. અન્નકૂટ લૂંટવામાં આવે તે પહેલા સેવકો દ્વારા ગોવર્ધન પૂજા અને ગાયની પૂજા કરવામાં આવે છે.

ત્યારબાદ મંદિરના ગુમ્મટના ભાગમાં અન્નકુટનો પ્રસાદ શ્રીજી 20 મીનીટ સુધી આરોગે છે. તે સમયે શ્રીજીના સેવકો ભગવાનને રીઝવવા મૃદંગ, ઢોલ તેમજ મંજીરા વગાડી સુખેથી જમાડે છે. જે બાદ મંદિરના નાનો તેમજ મોટો દરવાજો એક સાથે ખોલી નાખવામાં આવે છે.

આમ દરવાજો ખુલતા અન્નકૂટ લૂંટવા આવેલા ગ્રામજનો મંદિરમાં જઈને અન્નકૂટ લૂંટી ભાવિક ભકતોને પ્રસાદી રૂપે આપી ખુશી વ્યક્ત કરે છે. વધેલો પ્રસાદ પોત પોતાના ગામે લઈ જાય છે સગા સબંધીઓને આપે છે અને વધેલો પ્રસાદ પોતાની જમીનમાં ભનડારી દે છે. માન્યતા મૂજબ શ્રીજીના આશિર્વાદનો પ્રસાદ હોવાથી મબલખ પાકનુ ઉત્પાદન થાય છે.

આ અન્નકૂટ લૂંટવાની પરંપરાનો નઝારો જોવો તે અલગ જ હોય છે. તેને જોવા આખુ ગામ તેમજ ગુજરાત ભરમાથી ભાવિક ભક્તો ઉમટી પડે છે. અન્નકૂટ લૂંટાયા પછી મંદિર બંધ થઈ જાય છે. ત્યારબાદ સેવકો ધ્વારા આખુ મંદિરને સ્વચ્છ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...