તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરના ખેડૂતો ગેલમાં:ખેડા જિલ્લામાં વરસાદ પડતાની સાથે દેશી તમાકુની રોપણી શરૂ થઈ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાતા તમાકુની રોપણી એક પખવાડિયા મોડી શરૂ થઈ
  • સામાન્ય રીતે દર વર્ષે ઓગસ્ટના બીજા સપ્તાહમાં આ રોપણીની કામગીરી થતી હોય છે

ગુજરાતની નાભી ધરાવતો પ્રદેશ એટલે ચરોતર. આ પ્રદેશનો મુખ્ય પાક તમાકુ છે. પરંતુ આજે કૃષિ લક્ષી વિવિધ પધ્ધતિઓથી અહીંયાના ખેડૂતો અન્ય ખેતી પાકો તરફ વળ્યા છે. તમાકુના પ્રદેશ તરીકે જાણીતો બનેલો આ ચરોતર પંથકમાં હાલ વરસાદના આગમનના કારણે દેશી તમાકુની રોપણી શરૂ થઈ ગઈ છે.

વરસાદના કારણે ચોમાસું પાકને નવજીવન મળ્યું
લાંબા સમય બાદ સમગ્ર ખેડા જિલ્લામાં મેઘરાજા મહેમાન બનીને આવ્યાં છે. ખેડૂતો આકાશ ભણી મીટ માંડી બેઠેલા હતા અને વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા. ત્યારે અંતે વરુણ દેવે આ વિસ્તારમાં મહેરબાન થયા છે. છેલ્લા 2-3 દિવસોથી સમગ્ર જિલ્લાના અમુક વિસ્તારોમાં છુટા છવાયા તો ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વરસાદના કારણે ચોમાસાના પાકને નવુ જીવન મળ્યું છે. ડાંગર, શાકભાજી સહિતના પાકોને વરસાદના પાણી મળતાં ધરતીપુત્રોએ પણ હાશકારો અનુભવ્યો છે.

ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા રોપણી મોડી શરૂ થઈ
આ સાથે સમગ્ર પંથકમાં દેશી તમાકુની રોપણીની પ્રક્રીયા પણ ખેડૂતો દ્વારા શરૂ કરી દેવાઈ છે. સામાન્ય રીતે આ રોપણીની કામગીરી ઓગસ્ટના બીજા સપ્તાહમાં થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા આ કામગીરી પણ 15 દિવસ મોડી શરૂ થઈ છે. આ વખતે સપ્ટેમ્બરના પહેલા વીકમાં આ દેશી તમાકુની રોપણી શરૂ થઈ છે.

ભાદરવામાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતો સેવી રહ્યા છે આશા
વર્ષોથી દેશી તમાકુની ખેતી કરતાં ખેડૂતો જણાવી રહ્યા છે કે, જુન, જુલાઈ માસમાં તમાકુનું ધરુ તૈયાર થઈ ચૂક્યું હતું. પરંતુ તે સમયે જમીન તૈયાર નહોતી અને જે સમયે જમીન તૈયાર થઈ ત્યારે વરસાદ ખેંચાતા અમારે આ વખતે તમાકુની રોપણીની શરૂઆત મોડી કરવી પડી છે. જે લોકોને પીયતની સગવડ હતી તેમણે તો તમાકુની રોપણી પહેલા કરી લીધી હતી. હાલ સમગ્ર જિલ્લામાં ધીમી ધારે પાકને માફક વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ દેશી તમાકુની રોપણી શરૂ કરી દીધી છે. આ વખતે ધરુના ભાવ પણ ઓછા જોવા મળ્યા છે. હવે ભાદરવામાં સારો વરસાદ વરસે તેવી આશાઓ ખેડૂતો સેવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...