મારામારી:ઠાસરાના વણોતીમાં નવરાત્રિમાં ગરબા રમવા બાબતે થયેલી તકરારની રીસ રાખી બે પાડોશીઓ બાખડ્યાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાકોર પોલીસ મથકે સામસામી ફરિયાદમાં કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ

ઠાસરાના વણોતીમાં નવરાત્રિ પર્વ પર ગરબા રમવાની સામાન્ય તકરારે મોટુ સ્વરૂપ લીધું છે. જેમાં આ બાબતની રીસ રાખી એકજ વિસ્તારમાં રહેતા બે પરિવારો આમને સામને આવી ગયા હતા. જે બાદ એકમેક પર લાકડીઓ વડે હુમલો કરાયો હતો. આ બનાવ સંદર્ભે ડાકોર પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ઠાસરા તાલુકાના વણોતી ગામે રહેતા જનકભાઈ દોલતભાઈ પરમારને તેમના ફળીયામાં રહેતા જીતેન્દ્રભાઈ ગણપતભાઈ પરમાર સાથે નવરાત્રિના પર્વમાં ગરબા રમવા બાબતે માથાકૂટ થઇ હતી. ગતરોજ બપોરે જનકભાઈ પોતાના મિત્ર પ્રકાશ પરમાર સાથે ઘરેથી ડાકોર જવા નીકળ્યા હતા. પરંતુ ઘરે કોઈ વસ્તુ ભૂલી જતાં બન્ને પરત વણોતી ગામે આવ્યા હતા.

દરમિયાન ગામની સ્કૂલ પાસે ઉપરોક્ત જીતેન્દ્રભાઈ પરમારે અગાઉ નવરાત્રિમાં ગરબા રમવા થયેલ માથાકૂટની રીસ રાખી જનકભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન તેઓનું ઉપરાણું લઈ આવેલા સંજયભાઈ શકરાભાઈ પરમાર, નરસિંહ શનાભાઈ પરમાર અને કિસન નરસિંહભાઈ પરમારે એક સંપ થઈ લાકડીઓ અને નરાશ લઈ આવી જનકભાઈ અને તેમના મિત્ર પ્રકાશ પર હુમલો કર્યો હતો. જનકભાઈના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ સ્કૂલ પાસે દોડી આવ્યા હતા. આથી આ અંગે જનકભાઈ પરમારે ઉપરોક્ત હુમલો કરનાર સંજય પરમાર, નરસિંહ પરમાર, કીશનભાઈ પરમાર અને જીતેન્દ્રભાઈ પરમાર સામે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સામાપક્ષે ભાવનાબેન રાજેશભાઈ પરમારની ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના જેઠ ગીરીશભાઈ પરમાર અને જીતેન્દ્રભાઈ પરમાર બન્ને નોકરીએથી ઘરે આવી રહ્યા હતા ત્યારે સ્કૂલ પાસે ઉપરોક્ત બાબતની રીસ રાખી જનકભાઈ પરમાર અને તેમના મિત્ર પ્રકાશભાઈ પરમારે જીતેન્દ્રભાઈ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા જનકભાઈ અને તેના મિત્ર તથા અન્ય લોકોએ ભેગા મળીને બન્ને પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આથી આ ઘટના અંગે ભાવનાબેન પરમારે ડાકોર પોલીસ મથકે ઉપરોક્ત જનકભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર, કાળાભાઈ પરમાર અને કિરીટભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...