નડિયાદમાં માઘી પૂર્ણિમાનુ વિશિષ્ટ મહત્વ છે. આ દિવસે સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે મેળો યોજાતો હોય છે. આ દિવસે ભરાતા મેળાની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. નોંધનીય છે કે મેળાના આયોજકોએ નડિયાદ ખાતે ધામા નાંખ્યા છે. જો કે મેળો યોજાવા બાબતે નડિયાદ એલઆઈબીનો સંપર્ક સાધતાં આ અંગેની બેઠક આવતીકાલે મળવાની હોવાનું જણાવ્યું હતું.
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે મહાસુદ પૂનમે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટે છે. આ દિવસનુ આગવું મહત્વ હોવાને કારણે સાંજે આરતી અને એના પછી દિવ્ય સાકરવર્ષા થાય છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. દર વર્ષે તો આ દિવસના આગળ અને પાછળના દિવસે મેળાની રંગત પણ જામતી હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે આ મેળો બંધ રહેવા પામ્યો હતો. જોકે આ વર્ષે મેળાના ભણકારા વાગી રહ્યા હોય તેવું નજરે પડે છે.
શહેરના સંતરામ શાક માર્કેટ ખાતેના કેમ્પસમાં મેળામાં આવેલી નાની-મોટી રાઈડો બાંધવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. તો સંતરામ મંદિરના ચોગાનમાં પણ વિવિધ સ્ટોલના મંડપો બાંધી દેવાની કામગીરી આરંભી છે. જોકે આ મેળો રંગ રાખશે કે પછી નુકશાન આ બાબતને લઈને મેળાના આયોજકો તથા ચોગાનમાં સ્ટોલ ખોલનાર લોકો ચિંતિત બન્યા છે. મેળો યોજાવા બાબતે નડિયાદ એલઆઈબીનો સંપર્ક સાધતાં આ અંગેની બેઠક આવતીકાલે મળવાની હોવાનું જણાવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.