નિર્ણય:ગેરકાયદે વેજ અને નોનવેજની લારીઓ પર તવાઇની તૈયારી

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધર્મસ્થાનો પાસે અને મુખ્યમાર્ગો પર કાર્યવાહી કરાશે
  • સોમવારે નડિયાદ પાલિકાની બેઠકમાં નિર્ણયની શક્યતા

રાજ્યના મહેસુલ મંત્રી દ્વારા વેજ-નોનવેજની દુકાનો રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળો પર ન રાખવા બાબતે નિવેદન આપ્યા બાદ ગુજરાતભરમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે. નડિયાદ નગરપાલિકા હદ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં વેજ-નોનવેજની હાટડીઓ ધમધમી રહી છે. ત્યારે હવે નડિયાદ નગરપાલિકા દ્વારા આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.

રાજકોટ મનપાના મેયર દ્વારા મહાનગરમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર દ્વારા રહેણાંક અને જાહેર વિસ્તારોમાં ધમધમતી વેજ અન નોનવેજની ગેરકાયદેસર હાટડીઓ બંધ કરાવવા માટે આદેશ કરાયા છે.

આ બાબતને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ અનુસરવામાં આવી છે. ત્યારે રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરેલા નિવેદનમાં જણાવ્યંુ હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ, એ એક પ્રકારનું ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ છે. વેજ-નોનવેજ જાહેરમાં બનતું હોય છે, એને કારણે એનો ધુમાડો ઊડતો હોય છે. એ રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, એને અટકાવવો જ પડશે. તેમના આ નિવેદનની રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે નડિયાદ નગરપાલિકામાં આગામી સોમવારે મહત્વની બેઠક યોજાવાની શક્યતાઓ છે. જેમાં આ અંગે ચર્ચા-વિચારણા કરી બંધ કરવાનો નિર્ણય લેવાય તેવી સંભાવનાઓ છે.

આ પહેલા જો અન્ય કોઈ શહેરમાં જાહેરમાં ધમધમતી હાટડીઓ માટે નિર્ણય ન લેવાય અને સોમવારે નડિયાદ નગરપાલિકા નિર્ણય જાહેર કરે તો નડિયાદ આ પ્રકારનો નિર્ણય ખૂબ મહત્વનો બની રહેશે. નડિયાદમાં હાલ સોશિયલ ક્લબ રોડ પર, સંતરામ રોડ પર, પારસ સર્કલ પાસે, મરીડા ભાગોળ સહિતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની હાટડીઓ ધમધમી રહી છે. આ ધંધા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. જો નડિયાદ નગરપાલિકા આ પ્રકારનો કોઈ નિર્ણય લેશે, તો તમામના ધંધા-રોજગાર પર અસર પડશે. સેંકડો લોકોનો જીવન નિર્વાહ આ વ્યવસાય પર આધારિત છે.

સોમવારે ચીફ ઓફીસર સાથે બેઠક કરીશું
રાજકોટ અને વડોદરામાં ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારનો પણ આ અંગે અનુરોધ છે, ઉપરાંત જાહેર જનતા માટે પણ આ જરૂરી નિર્ણય છે. આ અંગે નડિયાદ નગરપાલિકામાં સોમવારે ચીફ ઓફીસર અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે. > ચંદ્રકાન્ત વાઘેલા, પ્રમુખપતિ

અન્ય સમાચારો પણ છે...