તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:દુષ્કર્મથી અવતરેલી બાળકી અને સગીર માતાને અપનાવાની શરતે પોક્સોના આરોપીની જેલમૂક્તિ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાઈકોર્ટે માનવીય અભિગમ અપનાવી પિડિતાને આરોપીના પરિવાર વચ્ચે થયેલી સમજૂતીને ગ્રાહ્ય રાખી
  • કપડવંજના ગાડિયાપુરા ગામનો કિસ્સો, ત્રણ માસની બાળકીના DNA રીપોર્ટના આધારે પિતૃત્વ નક્કી કરાયું હતું

કહેવાય છે કે, દરેક આરોપી ગુનેગાર નથી હોતો. આ વાતને સાબિત કરતો એક કિસ્સો કપડવંજના ગાડીયાપુરામાં સામે આવ્યો છે. સામાન્ય રીતે પોક્સો એક્ટ હેઠળ સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે સંબંધ રાખવાના ગુનામાં આરોપીને સખત કેદની સજા કરવામાં આવે છે. પરંતુ આ કેસ હાઈકૉર્ટે આરોપી વિરુદ્ધની ફરિયાદમાં ક્રોસ પીટીશન દાખલ થતાં વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને જેલમુક્ત જાહેર કર્યો છે અને અજ્ઞાનતા કારણે સર્જાયેલી પરિસ્થિતિમાંથી ત્રણ જિંદગીને નવું જીવન આપ્યું છે. 2021 જાન્યુઆરીમાં 20 વર્ષિય રસીક સોલંકી વિરુદ્ધ કપડવંજ ટાઉન પોલીસમાં પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેમાં આરોપી જાતે જ પોલીસ મથકે હાજર થયો હતો. આ બનાવની હકીકત એવી હતી કે,ગાડીયાપુરામાં રહેતાં રસીક સોલંકીને જે સગીરા સાથે સંબંધ હતા તે તેની સહમતિથી હતા. એટલું જ નહીં, સગીરાએ રસીકની બાળકીને જન્મ પણ આપ્યો હતો. પરંતુ સમાજમાં આબરૂ બચાવવા સગીરાના પરિવારે બાળકીને ત્યજી દીધી હતી. એટલે ગ્રામજનોએ આ વાતની જાણ કપડવંજ પોલીસને કરી હતી. જેના પગલે પોલીસે સગીરાના નામે રસીક વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચતા આ કેસના આરોપી પક્ષના વકીલ જીતેન્દ્ર મકવાણા અને વિશાલજી આનંદજી વાલાએ હાઈકૉર્ટમાં ક્રોસ પિટિશન દાખલ કરી હતી. જેમાં તેમણે આરોપી રસીક સોલંકી અને સગીરા પરસ્પર સહમતિથી સંબંધ હતા તેમ સાબિત કર્યુ હતું. તેમજ બાળકીના ડી.એન.એ રિપોર્ટ દ્વારા ત્રણ મહિનાની બાળકી પણ તેમની હોવાનું પુરવાર કર્યુ હતું. ત્યારબાદ બંને પક્ષોના કૉર્ટની બહાર સમાજની રીતે સમાધાન કર્યાનું કૉર્ટને જણાવ્યું હતું.

જેના ભાગરૂપે સગીરાના પરિવારે તે પુખ્તવયની થાય, ત્યારે બંનેના લગ્ન કરાવવા જણાવ્યું હતુ. એટલે નામદાર હાઈકોર્ટે તમામ હકીકત અને ત્રણ મહિનાની માસૂમ બાળકીના ભાવિને ધ્યાનમાં રાખીને રસીક સોલંકીને દોષમુક્ત જાહેર કર્યો હતો અને પરિણામે કૉર્ટે રસીક વિરુદ્ધની ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો હતો. જેના પગલે ગતરોજ આરોપી રસીક સોલંકી જેલમુક્ત થયો છે.

હાઈકોર્ટે આ કેસમાં હકીકતને ધ્યાનમાં લઈને નિર્દોષ બાળકી સહિત બે લોકોને નવું જીવન આપ્યું છે
આ કેસની ક્રોસ પીટીશન હાઈકોર્ટમાં દાખલ કરનાર વકીલ જીતેન્દ્ર મકવાણાએ જણાવ્યું હતું કે, આ કેસમાં સગીરાના પરિવારે સમાજમાં આબરૂ બચાવવા માટે દીકરીની ત્રણ મહિનાની બાળકીને ત્યજી દીધી હતી. ત્યારબાદ યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કારણ કે, આ કેસમાં સગીરા પોતે જ યુવક સાથે પોતાનું જીવન વિતાવવા માગતી હતી. પરંતુ સગીરાનો પરિવાર તેમનો આ સંબંધ સ્વીકરાતો નહોતો. એટલે તેમણે ફરિયાદ નોંધાવી હતી. - જીતેન્દ્ર મકવાણા, વકીલ

ત્રણ માસની બાળકીને માતૃછાયામાં આશરો
રસીક અને સગીરાની ત્રણ મહિનાની બાળકી હાલ માતૃછાયામાં છે. સગીરાને રસીક સોલંકી સાથેના પ્રેમસંબધમાં ગર્ભ રહ્યો હતો અને તેને બાળકીને જન્મ આપ્યો હતો. જેને સગીરાના પરિવારે ત્યજી દીધી હતી. ત્યારબાદ યુવક રસીક વિરુદ્ધ કપડવંજ પોલીસ સ્ટેશનમાં પોસ્કો ગુના હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આરોપી યુવક અને સગીરાની ભૂલમાં માસૂમ બાળકીનો શું વાંક?
દેખીતી રીતે આ સમગ્ર ઘટનામાં યુવક અને સગીરાની ભૂલ છે જ. પરંતુ તેમની સજા ત્રણ મહિનાની બાળકીની આપવી એ યોગ્ય નથી. આમ, પણ યુવક અને સગીરા પરસ્પર સહમતિથી સંબંધમાં હતા. જે એકબીજા સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે. એટલે પોક્સો એક્ટ હેઠળ યુવકને સજા થાય તો તેની સીધી અસર સગીરા અને તેમની ત્રણ મહિનાની બાળકી પર પડતી તેમજ 20 વર્ષીય યુવક પણ જેલમાં પોતાની યુવાવસ્થા વિતાવવા મજબૂર થાત. એટલે હાઈકૉર્ટે આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને બંને પક્ષોના સમાધાનને ગ્રાહ્ય રાખીને અદાલત દ્વારા આરોપીને દોષમુક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...