ખેડા જિલ્લામાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. પ્રેમમાં આંધળા થયેલા અને એકમેકને સાથે જીવવાના કોલ આપતા પ્રેમી પંખીડાઓ આપઘાતના રસ્તે પહોંચી મોતને વ્હાલું કરે છે, આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ઠાસરામાં પ્રેમીપંખીડાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ખેડા જિલ્લાના ઠાસરામાં આજે ગુરૂવારના રોજ પ્રેમીપંખીડા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. નગરના દિવ્ય શક્તિ રેસીડેન્સીની સામે રેલવે ટ્રેક નજીક ઝાડી-ઝાંખરામાં વૃક્ષની ડાળી સાથે દુપટ્ટા વડે યુવક-યુવતી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ આ ઘટનાની જાણ ઠાસરા પોલીસને કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ રેલ્વે પોલીસની હદ હોવાને કારણે સમગ્ર ઘટના સંદર્ભે રેલ્વે પોલીસને જાણ કરાઈ હતી. બાદ રેલવે પોલીસના કર્મીઓએ ઘટના સ્થળે દોડી જઇ ઓળખને છતી કરવા આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને યુવક-યુવતી પંચમહાલ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પંચમહાલથી ખેતરમાં મજૂરી કામ કરવા આવ્યા હતા અને એક બીજાના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક યુવક જગદીશભાઈ અંધારભાઈ ધીરાભાઈ નાયક (ઉંમર વર્ષ 21, રહે કાબરીયા તા. ગોધરા જિ.પંચમહાલ) અને યુવતીનું નામ ટીનાબેન પામલભાઈ કલજીભાઈ નાયક (રહે. રણીયાતા તા.ગોધરા ઉંમર વર્ષે 18) હોવાનું જાણવા મળ્યું છે. જો કે બંનેનો આપઘાત કરવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે આ બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.