બેઠક યોજાઈ:ખેડા જિલ્‍લા આયોજન મંડળની નાયબ મુખ્‍યમંત્રી અધ્યક્ષતામાં બેઠક, ડાકોર ખાતે 100 બેડની અદ્યતન હોસ્‍પિટલને મંજૂરી અપાઈ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાના પૈસાનો ઉપયોગ લોક ઉપયોગી કામોમાં જ થવો જોઇએ

નાયબ મુખ્‍યમંત્રી અને ખેડા જિલ્‍લા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમથી ખેડા જિલ્‍લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્‍યમંત્રી અને ખેડા જિલ્‍લા પ્રભારી મંત્રી નિતિન પટેલએ જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લાના યાત્રાધામ ડાકોર ખાતે અદ્યતન 100 બેડ ધરાવતી હોસ્‍પિટલને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. વિકેન્‍દ્રીત જિલ્‍લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવિધ જોગવાઇઓના કામોની રજૂઆત આ બેઠકમાં થઇ હતી. બેઠકમાં ગત બેઠકની કાર્યવાહિને બહાલી આપવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આયોજન હેઠળના જનસુખાકારીના કાર્યો પૂર્ણ થયા હોય તેવા કિસ્‍સામાં જે-તે ગામના તલાટી કમ મંત્રી અને સરપંચનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે. નગરપાલિકા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ જન સુખાકારીના કામોને પ્રાધાન્‍ય આપવા તાકીદ કરી હતી. જયાં જયાં આયોજન હેઠળના કામો ચાલુ થાય ત્‍યાં ત્યાં જિલ્‍લા અને તાલુકાના પદાધિકારીઓની સાથે સાથે અધિકારીઓએ પણ સ્‍થળ મુલાકાત લઇ થનાર કામની ગુણવત્તા ઉપર દેખરેખ રાખવા સૂચના આપી છે.

યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્‍યામાં યાત્રાળુઓ આવે છે, ત્યાં નગરને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા તેમણે અધિકારીઓ, પદાધિકારીઓને અને નગરજનોને અપીલ કરી હતી. પ્રજાના પૈસાનો ઉપયોગ લોકઉપયોગી કામ માટે જ થવો જોઇએ તેમ કહ્યું છે.

આયોજન મંડળની બેઠકમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ, જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેકટર ડી.એસ.પટેલ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક આર.ટી.ઝાલા, જિલ્‍લા આયોજન અધિકારી તથા જિલ્‍લાના અન્‍ય તાલુકાઓના ધારાસભ્યો, નગર પાલિકા પ્રમુખો, તાલુકા પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જે તે વિભાગના અધિકારીઓ વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમથી ઉપસ્‍થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...