નડિયાદ શહેર નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય નિવૃત્તિ કર્મચારી સખાવતી મહામંડળે આજે સોમવારે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલું આવેદનપત્ર નડિયાદ મામલતદારને આપ્યું છે. અગાઉ આપેલા આવેદનપત્ર સંદર્ભે ફોલોઅપ કે આજદિન સુધી હકારાત્મક વલણ ન મળતા વધુ એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો આ વખતે તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ન છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
નડિયાદ શહેર નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય નિવૃત્તિ કર્મચારી સખાવતી મહામંડળે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે થોડા માસ અગાઉ એટલે કે 7મી ડિસેમ્બર, 2021ના રોજ આ સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જે બાબતે આજદિન સુધી તેમના તરફથી કોઈપણ પ્રશ્ન કે હકારાત્મક જવાબ ન મળતા વધુ એક વખત આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સ્વીકારવા રજૂઆત કરી છે.
આ માંગણીઓમાં જોઈએ તો મેડિકલ ભથ્થું રૂપિયા 300ના બદલે કેન્દ્રના ધોરણે રૂપિયા 1 હજાર પહેલી જાન્યુઆરી 2016થી ચુકવવું, સાતમા પગાર પંચના સચિવોની સમિતિના ફાઈનલ રિપોર્ટ મુજબ 3% આસપાસ વધારાનું પેન્શન ચુકવવું, રાજ્ય સરકારના પેન્શનરોને 40% પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરવામાં આવે છે. જે રકમ પેન્શનરના પેન્શનમાં વ્યાજ સહિત 15 વર્ષ સુધી માસિક હપ્તા રૂપે કાપવામાં આવે છે. જેથી પેન્શનરને ઘણું જ આર્થિક નુકશાન થાય છે. હાલમાં બેંકોના થાપણ ઉપર વ્યાજ દર અને બેંક તરફથી આપવામાં આવતી લોનમાં વ્યાજના દર ઓછા થયેલા હોવાથી કોમ્યુટેડ (રીસ્ટોરેશન) પેન્શન 15 વર્ષના સ્થાને 10 વર્ષ કપાત કરવાની વર્ષ 2004થી અમલમાં આવેલી નવી પેન્શન યોજના બંધ કરી તેના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગણી કરવામાં આવી છે.
આ સાથે સાથે પેન્શન એ આવક નથી માટે તમામ પેન્શનરોને આવકવેરામાંથી મુક્તિ આપવા માંગણી કરાઈ છે. પેન્શનરની મા–બાપની સેવા માટે અપરણિત રહેલી દીકરી, ત્યક્તા, વિધવાને આજીવન પેન્શન આપવા માંગ સહિત ઘણી માંગણી કરવામાં આવી છે. જો આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમના પ્રશ્નો બાબતે હકારાત્મક ઉકેલ નહિ આપવામા આવે તો તેમણે (પેન્શનરોએ) ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.