પગપાળાયાત્રા:ખેડા જિલ્લામાંથી હજારો પદયાત્રીઓએ અંબાજી તરફ ડગ માડ્યાં, ધજા સાથે અંબાજી જવા અનેક સંઘ રવાના થયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઈ ભક્તો ઉમળકાભેર અંબાજી જવા રવાના થયા
  • રસ્તાઓ માતાજીના નાદથી ગૂંજી ઉઠ્યાં

ભાદરવી પૂનમે અંબાજી ખાતે પદયાત્રીઓનો ભારે ઘસારો રહે છે. ગુજરાતના ઠેકઠેકાણેથી ભક્તો ચાલતાં અંબાજી જવા પ્રયાણ કરે છે. ત્યારે નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાંથી અનેક માઈ સંઘો અંબાજી જવા પ્રયાણ કરી ચૂક્યાં છે. હજારોની સંખ્યામાં પદયાત્રીકો જોડાય છે. ભક્તિ અને આસ્થાના બળે અંબાજી તરફ જિલ્લાના શ્રધ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. જેથી અંબાજી જતાં રસ્તાઓ માતાજીના નાદથી ગૂંજી ઉઠ્યાં છે.

બોલ મારી અંબે જય જય અંબેનો જયઘોષ
શ્રાવણ માસ પૂર્ણ થઈ ચૂક્યો છે અને ભાદરવો બેસતા ખેડા જિલ્લામાંથી અનેક સંઘોએ ચાલતા અંબાજી જવા પ્રસ્થાન કર્યું છે. જિલ્લાના તમામ તાલુકાના ગામોમાંથી અને પરા વિસ્તારમાંથી અનેકો સંઘએ અંબાજી જવા પ્રયાણ કર્યું છે. તો કેટલાક લોકો તૈયારીઓ કરી રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબેના ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું છે. રથ સાથે અંબાજી જવા પદયાત્રીકો આગળ ધપી રહ્યા છે અને મા ના દર્શન કરવા આતુર બન્યાં છે.

પદયાત્રીકોમાં અનેરો ઉત્સાહ

ગતવર્ષે કોરોનાના કહેરના કારણે માઈ ભક્તો અંબાજી જઈ શક્યા નહોતા. માત્ર અમૂક જ વ્યક્તિઓ માતાજીને ધજા ચઢાવી આવ્યાં હતા. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કેસ ઓછા થવાના કારણે હજારો શ્રદ્ધાળુઓ વિવિધ સંઘો મારફતે પદયાત્રામાં જોડાઇ રહ્યા છે. વર્ષોથી નિયત કરેલા દિવસે પરંપરાગત રીતે ચાલતાં જતાં પદયાત્રીકોમાં અનોખો ઉમળકો જોવા મળી રહ્યો છે.

બાવન ગજની ધજા સાથે સંઘોનું અંબાજી તરફ પ્રસ્થાન
વર્ષોથી નડિયાદના યોગીનગરથી અંબાજી પગપાળા સંઘ નીકળે છે. પૂર્વ સરપંચ જનક પટેલની આગેવાની હેઠળ આ સંઘ બાવન ગજની ધજા સાથે રથ લઈને અંબાજી જાય છે. ચાલુ વર્ષે પણ આ સંઘે પ્રસ્થાન કર્યું છે. આ પૂર્વે ગામમાં આવેલા માતાજીના મંદિરે આરતી કરવામાં આવે છે. આ પ્રસંગે નડિયાદ તાલુકા ભાજપના પ્રમુખ પ્રભાતસિંહ ઝાલા, મહેશ રાઠોડ, નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ સંજય મહીડા સહિત ગામના આગેવાનો હાજર રહ્યાં હતા.

નડિયાદ કાછીયાવાડમાં કાછીયા પટેલ સમાજ દ્વારા પગપાળા સંઘ રવાના થયો છે. જેમાં ધજા સાથે સમાજના શ્રેષ્ઠિ યોગેશ પટેલ (ધાણાવાળા), ઉમેશ પટેલ સહિત પદયાત્રીઓ અંબાજી તરફ જવા રવાના થયા છે. આ સિવાય નડિયાદ, કપડવંજ, કઠલાલ, ઠાસરા, મહેમદાવાદ, માતર, મહુધા વિગેરે વિસ્તારમાંથી પણ અનેક સંઘોએ અંબાજી જવા પ્રસ્થાન કરી ચૂક્યું છે અને અંબાજી ખાતે ધજા ચઢાવી માતાજીના આર્શીવાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરશે.

અન્ય સમાચારો પણ છે...