તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ પર્વ:પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, ખેડા જિલ્લાના જીનાલયોમાં જૈન સમુદાયના લોકો પૂજા કરવા ઉમટી પડ્યા

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યુષણપર્વ શ્રાવણ વદ અગિયારસથી આઠ દિવસ સુધી ઉજવાતો મહાપર્વ
  • જૈન ધર્મનું પાવનકારી શાશ્વત પર્વ

ખેડા જિલ્લામાં જૈન સંપ્રદાયનો પર્વાધિરાજ પર્યુષણનો આજે શુક્રવારથી પ્રારંભ થયો છે. આદિ-અનાદિકાળથી પર્વાધિરાજ પર્યુષણપર્વ શ્રાવણ વદ અગિયારસથી આઠ દિવસ સુધી ઉજવાતો મહાપર્વ છે. આ જૈન ધર્મનું પાવનકારી શાશ્વત પર્વ ગણાય છે. પર્યુષણ એટલે આત્માનું કલ્યાણ કરવાનો મહાઅવસર છે.

જીનાલયોમાં સમી સાંજે વિશિષ્ટ આંગી
તપશ્ચર્યા અને સૌથી વધુ કઠીન ધર્મ ગણાતાં જૈન સંપ્રદાયનો મહાપર્વ પર્યુષણનો શુક્રવારથી પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે ખેડા જિલ્લાના જીનાલયોમાં જૈન સમુદાયના લોકો પૂજા કરવા ઉમટી પડ્યા હતા. ભગવાનની પૂજા કરી જૈન સમાજના લોકોએ ધન્યતા અનુભવી હતી. ખેડા, કઠલાલ, કપડવંજ સહિતના તાલુકા મથકોએ આજે જીનાલયોમાં સમી સાંજે વિશિષ્ટ આંગી પણ કરવામાં આવશે.

મહારાજ સાહેબનું વ્યાખ્યાન યોજાયું
નડિયાદમાં કિડની હોસ્પિટલ નજીક આવેલા સુપાશ્વનાથ જૈન દેરાસર અને દેવ ચકલા ખાતે આવેલા અજીતનાથ જૈન દેરાસર ખાતે આજે શુક્રવારે જૈન સમુદાયના લોકો પૂજા કરવા ઉમટી પડ્યા હતા. આઠ દિવસ સુધી ઉજવાતો આ મહાપર્વનો આજે પ્રથમ દિવસે નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપાશ્રય ખાતે મહારાજ સાહેબનું વ્યાખ્યાન યોજાયું છે.

આજના પ્રથમ દિવસે પૂ. મુનિરાજ શ્રી સત્યકાંત વિ.મ.સા જણાવ્યું હતું કે, પર્યુષણ એટલે કાયાની, ચિત્તની આત્માની શુધ્ધી કરવાનું પર્વ છે. દિકરાને વહુ, દિકરીને જમાઇ, જીવનને મોત, શરીરને સ્મશાન અને સંપત્તિને સગાઓ લઈ જતાં હોય છે. પરંતુ એક માત્ર ધર્મ જ આત્માને સદગતિ પરમગતિમાં લઈ જાય છે. જીવનમાં રહેલી હિંસકતા દોષને દૂર કરવા અમારી પાલન પ્રવૃત્તિઓ જરૂરી છે. શાસ્ત્રમાં તીર્થંકર પછી શ્રી સંઘને પૂજ્ય ગણ્યો છે. સંઘ એ રત્નોની ખાણ છે, ગુણોનું મુળ છે. તેમાં બધી શુભ ક્રિયાઓને બધા આરધનાના યોગ છે. જેમ આપણને પોતાનો જીવ વ્હાલો છે, તેમ દુનિયાના પ્રત્યેક જીવને પોતાનું જીવન વ્હાલું છે. સંઘસેવા-સંઘહિત માટે જાતની આરાધના ઓછી થાય તો પણ સંઘપ્રભાવે તીર્થંકર પદ પામી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, સંપત્તિ, સુખ, સુવિધા આ ત્રણને દરેક સાંસારિક જીવ ઈચ્છતા હોય છે. છતાં પણ એક વ્યક્તિ બીજાને સંપત્તિ આદી આપવા તૈયાર નથી. શક્તિ પ્રમાણે ધર્મ કરવાની વાત ઘણીવાર કરી પણ જાતને પ્રશ્ન પુછો તો જવાબ મળે ધર્મ માટે ભોગ શક્તિ જીલવીને જ કરાય છે.

બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યાં
આ પ્રસંગે પૂ. મુનિરાજ શ્રી આદિત્ય સોમ વિ.મ.સા., પૂ. સાધ્વી શ્રી તીર્થયશાશ્રીજી મ.સા. સહિત જૈન સમાજના અગ્રણીઓ અને સમુદાયના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવતીકાલે શનિવારે અહીંયા મહારાજ સાહેબના પ્રવચન દરમિયાન શ્રી કલ્પસૂત્ર ઘરે લઈ જવાનો ચઢાવો બોલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...