તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • 4 Lakh Parcels Of Matta Cloth Were Stolen From A Container Between Bhalej And Kapadvanj Rally In Anand But The Driver Was Unaware

લ્યો બોલો:આણંદના ભાલેજથી કપડવંજના રેલીયા વચ્ચે ચાલુ કન્ટેનરમાંથી 4 લાખના મત્તાના કાપડના પાર્સલની ચોરી થઈ પણ ચાલક અજાણ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી અંબાલા ડીલીવરી કરવા જતાં કાપડના પાર્સલ પૈકી 20-25 પાર્સલોની વચ્ચે રસ્તામાં જ ચોરી
  • કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

સુરતથી અંબાલા કાપડના પાર્સલોની ડીલીવરી કરવા જતાં ચાલુ વાહનમાંથી જ કાપડના પાર્સલોની ચોરી થતાં ચકચાર જાગી છે. ચાલકના જણાવ્યા મુજબ આણંદના ભાલેજથી કપડવંજના રેલીયા વચ્ચે ચાલુ કન્ટેનરમાંથી 4 લાખના મત્તાના કાપડના પાર્સલની ચોરી આચરવામાં આવી છે. જોકે આ વાત ગળે ઉતરે તેમ નથી, પરંતુ આ બનાવથી ચાલક અને ક્લીનર બન્ને અજાણ હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મુળ રાજસ્થાનના રહેવાસી અને સુરત ખાતે આવેલ રાજધાની ટ્રાન્સપોર્ટમાં પોતાની કન્ટેનર ચલાવતાં કુલદીપસિંગ રોશનસિંગ ચૌહાણ સુરતથી હરિયાણા કાપડના પાર્સલોની ડીલીવરી કરે છે. છેલ્લા 12 વર્ષથી તેઓ અહીંયા આ ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. એક-બે વર્ષ પહેલાં જ કુલદીપસિંહ પોતાની કન્ટેનર લાવી અહીંયા આ કામગીરી કરવામાં રહ્યા છે.

ગત 24 ઓગસ્ટના રોજ ઉપરોક્ત ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી કાપડના પાર્સલોનો માલ કન્ટેનર (નં. RJ-32-GB-4784)માં લોડ કરી કુલદીપસિંહ આશરે 9 વાગ્યાની આસપાસ સુરત ખાતેથી નીકળ્યા હતા. આ માલ અંબાલા ખાતે ડીલીવર કરવાનો હતો. ક્લીનર સાથે નીકળેલા કુલદીપસિંહ પોતાની કન્ટેનર લઈને કામરેજ, ભરૂચ થઈને કરજણ ટોલનાકા પાસે આવ્યા હતા. જ્યાં હોટલ પર ઊભા રહી ચાલક કુલદીપસિંહે કન્ટેનર ચેક કરી હતી.

આ બાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે થઈને ભાલેજ ટોલટેક્સ પાસે આવેલ હોટલે કન્ટેનર ઊભી રાખી હતી. જ્યાં ચાલક અને ક્લીનરે બન્નેએ કન્ટેનરનો પાછળનો દરવાજો ચેક કરતાં લોક હતું. ત્યાંથી મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બન્ને લોકો વાહન લઈને ખેડા જિલ્લાના અલીણા થઈને લાડવેલ ચોકડી થઈને કપડવંજના રેલીયા પાંખીયા પાસે પહોંચ્યા હતા. જ્યાં આવેલ બાબા હોટલ પાસે વાહન થોંભાવી ચાલક કુલદીપસિંહે પાછળ આવી જોતાં કન્ટેનરના દરવાજાનું લોક તૂટેલું હતું. ઉપરાંત દરવાજો પણ ખુલ્લો હતો. જેથી તેઓ ચોકી ઉઠ્યા હતા.

કન્ટેનરમાં અંદર ગણતરી કરતાં કેટલાક કાપડના પાર્સલો ઓછા જોવા મળ્યા હતા. આથી વાહન ચાલક કુલદીપસિંહે ઉપરોક્ત ટ્રાન્સપોર્ટના માલિક ગોવિંદરાય શર્માને ફોન કરીને જાણ કરી હતી. જે બાદ માલિક ત્યાં આવી પહોંચ્યા હતા. તપાસ આદરતાં કન્ટેનરમાંથી 20-25 કાપડના પાર્સલો ઓછા જોવા મળ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા 4 લાખ થાય છે. જે બાદ ચાલકે સમગ્ર હકીકત જણાવતાં ચાલુ વાહનમાંથી આ ચોરી આચરી હોવાનું ચાલકે પોતાના માલિકને જણાવ્યું છે. આ સમગ્ર મામલો અંતે પોલીસ મથકે પહોંચ્યો છે. કપડવંજ ગ્રામ્ય પોલીસે કુલદીપસિંહ ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

આ મામલે ચાલકે એવું નિવેદન આપ્યું છે કે, આણંદના ભાલેજથી કપડવંજના રેલીયા વચ્ચે ચાલુ કન્ટેનરમાંથી 4 લાખના મત્તાના કાપડના પાર્સલની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી આચરવામાં આવી છે, પરંતુ આ વાત ગળે ઉતરે તેમ નથી. કારણ કે કોઈ વ્યક્તિ ચાલુ વાહનમાંથી ચોરી કઈ રીતે કરી શકે અને કદાચ પ્રયાસ કરે તો શુ ડ્રાઇવર-ક્લીનરને આ અંગે કઈ ખબર ન પડે? એ તો અશક્ય વાત છે. આવા અનેક સવાલો ચર્ચાના એરણે પહોંચ્યા છે. જોકે, આ બનાવમાં શુ તથ્ય નીકળે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...