તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સરવાણી:ખેડા જિલ્‍લામાં ઓક્સિજનની જરૂરીયાતને હવે સંતોષી શકાશે, નડિયાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક તૈયાર થશે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની ત્રણ હોસ્પિટલોમાં વધુ 700 થી 750 જેટલા બેડ ઓક્સિજન સાથે ઉપલબ્ધ થશે

ખેડા જિલ્‍લામાં કોરોનાની સારવાર માટે દર્દીઓને ઓક્સિજનની આવશ્યકતા રહેતી હોવાથી ઓક્સિજન ટેન્‍ક બનાવવા માટે રૂપિયા 50 લાખની જરૂરીયાત હતી. આ જરૂરીયાતને ધ્યાને રાખી સ્‍થાનિક ક્ક્ષાએ આ સગવડતા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ અને જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ દ્વારા દાન માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સારો પ્રતિસાદ સાપડયો હતો. અને ટુંક સમયમાં જ જરૂરીયાત મુજબનું રૂપિયા 50 લાખનું ભંડોળ એકત્રિત થઇ ગયું છે. જેથી આગામી થોડા સમયમાં જ આ ઓક્સિજન ટેન્‍ક કાર્યરત થઇ જશે.

આહવાન કરતાની સાથે જ દાનવીરો દ્વારા દાન આપવામાં આવ્યું

આજે મુખ્‍ય દંડકે યોજેલ પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું કે, નડિયાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે લિકવિડ ઓક્સિજન રિઝર્વ ટેન્‍ક રૂપિયા 50 લાખના ખર્ચથી મુકવા માટે કલેકટર આઇ.કે.પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ આહવાન કરતાની સાથે જ દાનવીરો દ્વારા દાન આપી આ મહામારીમાં આવી પડેલ આફતની પળોમાં સહભાગી થવાની સાથે સાથે સેવાની સરવાણી વહાવી હતી. જે તમામ લોકોનો આભાર માન્યો હતો.

આ સરવાણીથી ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક માટેની રકમ પૂર્ણ થઈ ગઈ છે અને સિવિલ હોસ્પિટલ ખાતે ટેન્કના ફાઉન્ડેશનનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ફાઉન્ડેશન બે થી ત્રણ દિવસમાં મજબૂત થઈ જાય એટલે ઓક્સિજન ટેન્ક મુકવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. અને જિલ્‍લાના નાગરિકોને કોરોનાની મહામારી વખતે જે ઓક્સિજનની તકલીફ પડતી હતી. તેનો જથ્થો હવે નડિયાદમાં જ સ્‍ટોરેજ ટેન્‍ક દ્વારા મળતો થવાથી દર્દીઓને તેમાં રાહત મળશે.

સિવિલ હોસ્‍પિટલની અંદર 100 બેડનો ઓક્સિજન પ્‍લાન્ટ આપવામાં આવ્‍યો

આ કામ ખુબ જ ટુંકા ગાળામાં પૂર્ણ થતા સ્‍ટોરેજ ટેન્‍કમાંથી ઓક્સિજન તરત આપી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરીટી તરફથી પણ સિવિલ હોસ્‍પિટલની અંદર 100 બેડનો ઓક્સિજન પ્‍લાન્ટ આપવામાં આવ્‍યો છે. જે ખૂબ જ આનંદના સમાચાર છે. તેની સાથે સાથે બીજી મહાગુજરાત હોસ્‍પિટલ કે જેમાં બીજા વધારાના રૂપિયા 60,00,000ના ઓક્સિજન પ્‍લાન્ટની જરૂર હતી. તે માટે પણ રૂપિયા 20 લાખની રકમ દંડકે તથા તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે.

અમુલ દ્વારા 30 અને કે.ડિ.સી.સી. બેંકે 70 બેડનો ઓક્સિજનનો પ્‍લાન્‍ટ આપેલ છે

જયારે એન.ડી.દેસાઇની અંદર અમુલ દ્વારા કોવિડના 30 બેડનો પ્‍લાન્‍ટ અને કે.ડિ.સી.સી. બેંકે 70 બેડનો ઓક્સિજનનો પ્‍લાન્‍ટ આપેલ છે. તેઓ દ્વારા બાકિની ખુટતી જરૂરીયાત માટે ઓક્સિજન ટેન્‍કની માંગણીના અનુસંધાને દંડકની ગ્રાન્‍ટમાંથી રૂપિયા 25 લાખ તથા સાંસદ દેવુસિંહની ગ્રાન્‍ટમાંથી રકમ ફાળવી આપવામાં આવેલ છે. આમ, ઓક્સિજન માટે મુખ્‍ય ત્રણ હોસ્‍પિટલોમાં 700 થી 750 જેટલા બેડની ઓક્સિજનની જરૂરીયાત સંતોષી શકાય તેવું આયોજન જિલ્‍લા કલેકટર દ્વારા કરવામાં આવ્યું છે.

આમ, ટુંકા ગાળામાં જ દર્દીઓને સમયસર સારવાર મળતી થશે. સરકારી તંત્ર સાથે રહી કોરોનાના દર્દીઓને મહત્તમ સારવાર ત્વરીત મળી રહે તે માટેના હાલ પ્રયાસો થઇ રહ્યા છે. પીડીયાટ્રીશ્યન તબીબોની અને સાયન્‍ટીસ્‍ટોની રજૂઆતને ધ્યાને રાખીને ત્રીજી લહેરને પહોંચી વળવાની તમામ તૈયારીઓ પણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...