રજૂઆત:નડિયાદના એરંડિયાપુરામાં એક વોર્ડ ઘટાડવામાં આવતાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની જેમ બે વોર્ડ નહિ કરવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારાઈ
  • કલેક્ટરને આવેદનપત્ર આપી અગાઉની જેમ બે વોર્ડ યથાવત રાખવા ગ્રામજનોની માંગ

નડિયાદના એરંડિયાપુરા ગામમાં છેલ્લા 40 વર્ષથી બે વોર્ડની ફાળવણી કરાય છે. પરંતુ આ વખતે વોર્ડ રચનામાં ફેરફાર કરીને માત્ર એક વોર્ડ કરી દેવાતાં ગ્રામજનોએ બે વોર્ડ મળે તેની માંગ સાથે નડિયાદ આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ઉપરાંત ગ્રામજનોની આ માંગણી નહીં સંતોષાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારાઈ હતી.

નડિયાદ તાલુકાના દવાપુરા તાબે એરંડિયાપુરાના રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે દવાપુરા પંચાયતના આ ગામમાં છેલ્લા 40 વર્ષથી વોર્ડ નં. 6 અને વોર્ડ નં. 8 એમ બે વોર્ડ છે. આ ગામમાંથી બે સભ્યો દવાપુરા ગામ પંચાયતમાં ગામનું પ્રતિનિધિત્વ સંભાળે છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા નવી વોર્ડ રચનામાં એરંડિયાપુરા ગામને ભારે અન્યાય થયો છે. જેથી બેના બદલે માત્ર એક વોર્ડ કરી દેવાતાં હવે માત્ર વોર્ડ નંબર આઠ જ રહ્યો છે. જેની સામે ગ્રામજનોએ નારાજગી બતાવી હતી. સરકારના આ નિયમથી ગુસ્સે થયેલા ગામના લોકોએ આજે ગુરૂવારે જિલ્લા કલેક્ટર કચેરીએ આવી પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ એરંડિયાપુરાને અગાઉની જેમ બે વોર્ડ મળે તેવી માંગ કરાઈ હતી.

જિલ્લા કલેક્ટરને આપેલા આ આવેદનપત્રમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા નવી વોર્ડ રચના ગામના સભ્યો કે ગ્રામજનોનો અભિપ્રાય કે સૂચન લીધા વગર જ અંધારામાં રાખીને કરવામાં આવી છે. વધુમાં જણાવાયું હતું કે હાલમાં પ્રસિદ્ધ કરાયેલી 2021ની મતદાર યાદીમાં સુધારણા કરી અગાઉ 2016ની મતદારયાદી પ્રમાણે નવી યાદી પ્રસિધ્ધ કરી આપશો તો ગ્રામજનો સંમત છે. પરંતુ જો આવુ કરવામાં નહી આવે તો તમામ ગ્રામજનો ડિસેમ્બરમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે અને કાયદાકીય આંદોલન કરશે તેવી ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...