લોકોમાં ભારે રોષ:મિત્રાલ-પીજ રોડને મંજૂરીના મહિનાઓ બાદ પણ નવીનીકરણ ન થતાં ભારે રોષ

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન કપાત જતી હોવાથી ખેડૂતોએ રોડનું કામ અટકાવ્યું હોવાની રાવ

વસો તાલુકાના મિત્રાલ-પીજ કાંસ પરનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ રોડ ઠેર-ઠેર તૂટી ગયો છે. તેના રીસરફેસિંગનું કામ મંજૂર થયું છે. પરંતુ હજુ સુધી રોડનું નવીનીકરણ ન થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

વસો તાલુકાના મિત્રાલથી પીજ કાંસ પર પંદરેક વર્ષ પહેલાં ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ સીમ વિસ્તારના લોકો માટે ઘણો જ ઉપયોગી છે. પીજ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. જેથી સારવાર કરાવવા માટે ગ્રામજનોની અવર જવર રહે છે. ત્યારે છેલ્લાં ઘણાં વર્ષોથી આ રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેથી ખેડૂતો, વાહનચાલકોને ઘણી જ હાલાકી વેઠવી પડે છે. આ રોડને રિસરફેસનું કામ મંજૂર થયું છે. માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકના આ રોડ માટે લાખો રૂપિયાના ખર્ચે મંજૂર થયો છે. રોડના વિસ્તૃતિકરણ રિસરફેસનું કામ વહેલી તકે શરૂ કરવાની માંગણી પ્રબળ બની છે.

જો કે, અનેક જગ્યાઓએ રસ્તો પહોળો થતા ખેડૂતોની જમીન કપાત જતી હોવાથી ખેડૂતોએ રોડનું કામ અટકાવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોઈ વાહનચાલકોને રામોલ થઈને વધારાનું અંતર કાપીને અવર જવર કરવી પડે છે. જેથી પ્રજાના નાણાં અને સમયનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે પ્રશાસન દ્વારા આ અંગે અડચણો દૂર કરી રોડના નવીનીકરણનું કામ પૂર્ણ કરાય તેવી લાગણી પ્રસરી છે.

રોડ સાંકડો હોવાથી અકસ્માતો સર્જાય છે
રોડ ઘણો સાંકડો અને બિસ્માર હોવાથી છાસવારે અહીં અકસ્માતના બનાવો સર્જાય છે. આ રોડ પર બે વખત ટ્રેક્ટર અને એકવાર ડમ્ફર, ટ્રક કાંસમાં ખાબકી હતી જેમાં એક શખ્સનું મોત પણ નિપજ્યુ હતું. ત્યારે અકસ્માતોના બનાવોને ગંભીરતાથી લેવાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...