તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:નડિયાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો ,ડેન્ગ્યુના 10, ચિકનગુનિયાના 4 કેસ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લામાં ડેન્ગ્યુને અટકાવવા માટે આરોગ્ય પ્રશાસન દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. - Divya Bhaskar
ખેડા જિલ્લામાં ડેન્ગ્યુને અટકાવવા માટે આરોગ્ય પ્રશાસન દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.
  • ખેડા જિલ્લામાં વરસાદી માહોલમાં ઘેર-ઘેર માંદગી
  • બે વર્ષ બાદ પુનઃ ચિકન ગુનિયાના કેસો જોવા મળ્યા

કોરોનાના સામ્રાજ્યનો અંત આવતાની સાથે બીજા રોગચાળા ફાટી નીકળ્યા છે. અત્યાર સુધી ડેન્ગ્યુ સુધી સિમિત રહેલો રોગચાળો હવે ચિકનગુનિયા સુધી આ‌વી પહોંચ્યો છે. 21 ઑગસ્ટ બાદ અત્યાર સુધી જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં ચિકનગુનિયાના 4 કેસ સામે આવ્યા હોવાનું આરોગ્ય પ્રશાસને જણાવ્યુ છે. જેના કારણે જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે.

નડિયાદમાં ચોફેર માંદગીનો વાવર ચાલી રહ્યો છે. ત્યારે વાઈરલ ફીવર તો લગભગ દરેક વિસ્તારમાં છે. જ્યારે ડેન્ગ્યુના કેસ પણ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. આવા સમયે ચિકનગુનિયાનો વ્યાપ વધતો અટકાવવો જરૂરી બન્યો છે. આરોગ્ય વિભાગે ચિકનગુનિયાની સારવાર માટે તબીબોને સૂચન કર્યુ છે. ઉપરાંત તકેદારીના પગલાં લેવા માટે પણ કર્મચારીઓને ટકોર કરી છે.

ચિકનગુનિયાએ ચેપગ્રસ્ત મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. જેમાં મચ્છર કરડે તેના ત્રણ-ચાર દિવસમાં હાઈબ્રિડ તાવ આવવાનો શરૂ થાય છે અને તેના 12થી 24 કલાક પછી દર્દીને સાંધામાં દુ:ખાવો થતો હોય છે. ત્યારે આવા લક્ષણ જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવા માટે પ્રશાસને અપીલ કરી છે. ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા અટકાવવા માટે ઘરમાં બિનજરૂરી પાણી ભરી રાખવું નહીં.

ડેન્ગ્યુના હાલ 20 જેટલા એક્ટિવ કેસ
ખેડા જિલ્લામાં હાલ ડેન્ગ્યુના 20 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં નડિયાદ શહેરી વિસ્તારમાં જ 10 જેટલા ડેન્ગ્યુના દર્દી નોંધાયા છે. જ્યારે નડિયાદ ગ્રામ્યમાં 3 દર્દી અને ગળતેશ્વર, કઠલાલ સહિતના તાલુકાઓમાં 1-1 ડેન્ગ્યુના દર્દી નોંધાયા છે. 21 તારીખ બાદ અત્યાર સુધી ખૂબ મોટી સંખ્યા ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે.

મચ્છરજન્ય રોગોને નાથવા આરોગ્ય પ્રશાસન ખડે પગે
અનિયમિત વરસાદી વાતાવરણને કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયાના કેસોમાં નોંધપાત્ર વધારો જણાતા જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં રોગ નિયંત્રણ માટે નાગરીકોને સાથે લઈ કામ કરવા સૂચના અપાઈ હતી.

પ્રશાસન દ્વારા રોગચાળો કાબુમાં લેવા દરેક નાગરીકોને પોતાના ઘરની 10 મિટરની ત્રિજ્યામાં પાણીના સંગ્રહસ્થાનોમાં પોરાનો નાશ કરવા, ડેન્ગ્યુ રોગ વહન બાબતની જાણકારી વિવિધ માધ્યમમાં પ્રસારીત કરવી, એડીસ મચ્છરના નાશ માટે ઘરના તમામ પાણીના પાત્રો, પક્ષીકુંજ, કુલર અને ફુલદાની સહિતની વસ્તુઓમાં પોરાનો નાશ કરવા માટે આહ્વાન કર્યુ છે. ઉપરાંત અઠવાડિક કામગીરીના સર્વેલન્સ માટે 30 જેટલા કર્મચારી ડેપ્યુટ કરાયા છે. તેમજ 51 જેટલા વેક્ટર કંટ્રોલ ટીમની ફાળવણી કરી ડેન્ગ્યુના કેસ જે વિસ્તારમાં જાહેર થયા હોય ત્યાં ફોંગીગની કામગીરી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...