તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:ખેડા જિલ્લામાં ડબલ ઋતુ સાથે નવા રોગનો પગપેસારો, ત્રણ માસમાં ડેન્ગ્યૂના 29 કેસ નોંધાયા

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ તાવ ફીવરના કેસોમાં પણ નોંધપાત્ર વધારો

કોરોના બાદ કોલેરા અને શંકાસ્પદ ઝાડા ઉલ્ટીના કેસો બાદ હવે ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે. પલટાયેલા વાતાવરણના બદલાવના કારણે હવે તાપ પડતાં આવા ગંભીર રોગોએ માથું ઉચક્યું છે. ખેડા જિલ્લામાં છેલ્લા 2 માસમાં ડેન્ગ્યુના કેસોમાં એકાએક ઉછાળો સામે આવ્યો છે. જેમાં ખાસ કરીને વડા મથક નડિયાદ શહેરની પ્રજા ડેન્ગ્યુમાં વધુ સપડાઈ છે છેલ્લા ત્રણેક માસની વાત કરીએ તો 29 જેટલા કેસો સરકારી ચોપડે નોંધાયા છે. જેમાંથી હાલમાં 4 જ એક્ટિવ કેસો છે. બાકીનાને રજા આપવામાં આવી છે. રોગને નિયંત્રણ કરવા આરોગ્ય તંત્ર એ પણ કમરકસી છે.

ખેડા જિલ્લામાં અન્ય રોગોની સાથે સાથે ડેન્ગ્યુના દર્દીઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા ત્રણ માસમાં સરકારી ચોપડે 29 જેટલા દર્દીઓ ડેન્ગ્યુમાં સપડાયા હોવાનું આરોગ્ય તંત્રમાંથી જાણવા મળે છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ નડિયાદના હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં નગરજનોની સ્વાસ્થ્યની પનોતી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા કોરોના ત્યાર બાદ કોલેરા અને શંકાસ્પદ ઝાડા ઉલ્ટીના કેસો તે બાદ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે હાલમાં ડેન્ગ્યુના માત્ર ચાર દર્દીઓ દાખલ છે. બાકીના તમામ દર્દીઓને રજા આપવામાં આવી છે. ડેન્ગ્યુના રોગચાળાએ માથું ઉચકતા પ્રજામાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ડેન્ગ્યુના રોગને નાથવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે. ડેન્ગ્યુ રોગને લઇ કરવામાં આવતી કામગીરી પણ શરૂ થઈ ગઈ હોવાનું એપેડેમીક ઓફિસરે જણાવ્યું છે.

ચોખ્ખા પાણીમાં રહેતા મચ્છરોના કારણે ડેન્ગ્યુનો રોગ ફેલાય છે જેથી આરોગ્ય તંત્ર જે વિસ્તારમાં ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળ્યા તે વિસ્તારમાં જઈ ચોખ્ખુ પાણી લાંબા સમય સુધી ભરાતું નથી ને તેની તપાસ આદરી છે. અને પોરા નાશક દવાઓ પણ પાણીમાં નાંખવા માટેની કામગીરી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં ભલે આરોગ્ય વિભાગ ત્રણ માસમાં 29 દર્દી હોવાનું દાવો કરે પરંતુ વાસ્તવમાં આ દર્દીઓની સંખ્યા ખૂબજ વધું છે. ગામડા વિસ્તારના દર્દી ઓ લોકલ દવા લઈ સારવાર કરાવી દેતા હોય તેમના આંકડા આમાં સામેલ થતા નથી. જેથી જિલ્લામાં આવા કેટલા દર્દી છે તે જાણી શકાતું નથી. આ ઉપરાંત નડિયાદમાં શંકાસ્પદ તાવ ફીવરના દર્દીઓની સંખ્યા પણ વધારે છે. જો આમને આમ ચાલશે તો ફરી એક વાર નડિયાદ અને જિલ્લાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાશે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી.

હાલમાં મચ્છર જન્ય રોગને લઇ પ્રજામાં ફફડાટ જોવા મળે છે. શરીરમાં દુખાવો થવો ભૂખ ન લાગવી ઠંડી લાગીને તાવ આવવો વગેરે લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇ લોહીની તપાસ કરાવી લેવા માટે પણ તંત્ર જણાવી રહ્યું છે. આમ સમગ્ર જિલ્લામાં આ પ્રકારની બીમારીને નાથવા તંત્ર એલર્ટ મોડમાં કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...