ધોળા દિવસે ચોરી:નડિયાદમાં ભર બપોરે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો, માત્ર પોણા કલાકમાં રૂપિયા 2.20 લાખના દાગીનાની ચોરી ફરાર થઇ ગયા

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવસાર વાડ વિસ્તારમાં આવેલી તવક્કલ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી
  • દુકાન માલિકે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં તસ્કરો બેખોફ બન્યા છે. રાત્રે તો રાત્રે હવે દિવસે પણ ચોરી થવા લાગી છે. નડિયાદમાં ભર બજારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનના બપોરે તાળા તૂટ્યાં છે. તસ્કરોએ અહીંયા ત્રાટકી રૂપિયા 2 લાખ 20 હજાર 600ના મુદ્દામાલના સોના ચાંદીના ઘરેણાં લઈ ફરાર થઈ ગયા છે. પોણા કલાકમાં જ તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. આ બનાવ સંદર્ભે દુકાન માલિકે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરના મરીડા રોડ પર રહેતા અજગરઅલી શેખની તવક્કલ જ્વેલર્સ નામની દુકાન ભાવસાર વાડ વિસ્તારમાં બાવન સઈદની મસ્જિદ પાસે આવેલી છે. તેમનાથી ત્રણ એક દુકાન છોડી વ્હોરવાડના ઉર્દુ સ્કૂલ પાસે તેમના પિતાની પણ આ નામની દુકાન આવેલી છે. ગતરોજ બપોરના સમયે અજગરઅલીના પિતા અકબરઅલીએ તેના દિકરાને ફોન કરીને જણાવ્યું હતું કે મારે બાઇક કામ છે. તું વાહનની ચાવી લઈને અહી આવ, તેથી અજગરઅલી પોતાની ભાવસાર વાડ સ્થિતિ આવેલી દુકાનનું શટર પાડી લોક કરી પોતાના પિતાની દુકાનમાં આવ્યો હતો. આ સમયે પોણા બે વાગ્યાથી અઢીની વચ્ચે જ તસ્કરોએ અહીંયા ચોરીને અંજામ આપી રફુચક્કર થઈ ગયા હતા.

અઢી વાગ્યાની આસપાસ અજગરઅલી પોતાની ભાવસાર વાડ સ્થિત આવેલ જ્વેલર્સની દુકાને આવતાં શટર તો બંધ હતુ પરંતુ તેના તાળા તૂટેલા જોતાં તેઓ ચોંકી ઉઠયા હતા. જે બાદ દુકાનમાં તપાસ કરતાં ગ્રાહકના સાડા ત્રણ તોલાની પેઈન્ડલ વાળી ચેઈન, ત્રણ સોનાની વીંટી, સોનાના મણકા, ચાંદીનો ભુક્કો મળી કુલ રૂપિયા 2 લાખ 20 હજાર 600ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

દુકાન માલિકે આ અંગે આસપાસની દુકાનોમાં પણ પુછતાછ આદરી પરંતુ કોઈએ આ તસ્કરોને જોયા નહોતા. આથી દુકાન માલિક અજગરઅલી શેખે આ અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાંધ્યો હતો. જે બાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...