ઇટ રાઇટ મુવમેન્ટ અંતર્ગત સર્વે:ખેડા જિલ્લામાં 156 હોટલોમાંથી માત્ર 7 ભોજન બાબતે શ્રેષ્ઠ રેન્કીંગમાં

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિવિધ હોટલો, રેસ્ટોરન્ટમાં મળતા ભોજનની શુદ્ધતાની વિગતો જાહેર કરી
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં સર્વેમાં 127 એકમોને 4 સ્ટાર જ્યારે 21 એકમોને 3 સ્ટાર મળ્યા

ખેડા જિલ્લાવાસીઓ કોરોનાની બીજી લહેર પછી બધું સામાન્ય થઈ જતા હોટલો, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ઢાબામાં ઉમટી પડ્યા છે અને ભોજનનો સ્વાદ માણી રહ્યા છે. ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ઢાબા, ડેરી અને બેકરી પ્રોડક્ટ વેચનારાઓ પાસેથી ખરીદી કરતા ગ્રાહકો પાસે ઇટ રાઇટ મુવમેન્ટ અંતર્ગત ફીડબેક મંગાવવામાં આવ્યા હતા. કુપોષણ અને અતિપોષણ એટલે કે મેદસ્વિતા સામે લડી શકાય તે માટે આવી હોટલ, રેસ્ટોરન્ટ, રીસોર્ટ, ડેરી વગેરેમાં મળતા ખાદ્યપદાર્થની શુદ્ધતાની ચકાસણી કર્યા બાદ તેની વિગતો જાહેર કરાઈ છે.

મળતી વિગતો મુજબ ખેડા જિલ્લામાં રિસોર્ટ, હોટેલ, રેસ્ટોરન્ટ, પરોઠા હાઉસ, બેકરી, વગેરે મળીને કુલ 156 જગ્યાઓમાં સફાઈ અને ભોજનની ગુણવત્તા સંદર્ભે સર્વે કર્યો છે. ખાણી-પીણીના શોખીનોને કેવું ભોજન મળે છે તે માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની સૂચનાથી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં કુલ 156 હોટલો, રેસ્ટોરન્ટ, રિસોર્ટમાંથી માત્ર 7માં જ સફાઈ બાબતે ચોક્કસાઈ રખાતી હોય, ઉપરાંત ગ્રાહકોને શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ કક્ષાનું ભોજન આપતી હોવાનું સામે આવ્યુ છે.. જ્યારે 127 એકમોને 4 સ્ટાર અપાયા છે. એટલે આ જગ્યાઓએ પ્રમાણમાં સારૂં કહી શકાય તેવુ ભોજન અને હાઈજીન બાબતે પણ મહદઅંશે જાગૃતતા હોવાનું સામે આવ્યુ છે. ઉપરાંત 21 જેટલા એકમોને 3 સ્ટાર મળ્યા છે. એટલે ત્યાં સફાઈની હજુ જરૂર છે અને ભોજનની ક્વોલિટીમાં પણ ફેર કરવાની જરૂર હોવાનું જણાયુ છે. ખેડા જિલ્લાના એક પણ એકમમાંથી અખાદ્ય કે બિલકુલ સફાઈ ન હોય તેવુ જણાયુ નથી.

ફૂડ-ડ્રગ્સ વિભાગ દ્વારા સર્વેમાં આ વિભાગનો સમાવેશ કરાયો
તાજેતરમાં ખેડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હોટલો, ડેરી, રિસોર્ટ, પરોઠા હાઉસ, બેકરી, ડાઇનીંગ હોલ, ખમણની દુકાનો, રેસ્ટોરન્ટ, મીઠાઇની દુકાનો, લોજ સહિત ખાણીપીણી દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

રેન્કીંગ કેવી રીતે અપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં ભોજનની કવોલીટીને લઈને 1થી 5 રેન્કીંગ આપવામાં આવ્યા છે. 5 નંબર રેન્કીંગ મતલબ શ્રેષ્ઠ ભોજન, 4 નંબરનું રેન્કીંગ એટલે સારૂં કહી શકાય તેવું ભોજન, 3 નંબરનું રેન્કીંગ એટલે સામાન્ય કવોલીટીનું, 2 નંબર રેન્કીંગ એટલે ભોજનમાં સુધારો કરવાની ખાસ જરૂર છે. જ્યારે 1 નંબરનું રેન્કીંગ એટલે જયા સાવ ખરાબ ભોજન મળે છે.

ઇટ રાઇટ મુવમેન્ટ અંતર્ગત સર્વે કરાયા
જિલ્લાની જનતાને સારૂ ભોજન મળે તે માટે સોશિયલ મીડિયા પર ફીડબેકનું આહ્વાન કરાયું હતું. ખેડા જિલ્લાના રહીશોમાં ઇટ રાઇટ મૂવમેન્ટ હેઠળ જાગૃતિ આવે તેમજ ફુડ હેબીટમાં સુધારો કરવાથી કૃપોષણ કે અતિ પોષણ એટલે મેદસ્વિતા સામે લડી શકાય તે હેતુથી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...