આદેશ:નડિયાદમાં વીજ ગ્રાહકોને ELCB લગાવવાનું ફરમાન, મધ્ય ગુજરાત વીજ કંપનીનો ફતવો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં વીજ કંપનીની નોટીસના પગલે રોષ ભડક્યો છે. - Divya Bhaskar
નડિયાદમાં વીજ કંપનીની નોટીસના પગલે રોષ ભડક્યો છે.
  • પશ્ચિમના ગ્રાહકોને વીજબીલ પર સિક્કો મારી ઇએલસીબી અથવા આરસીસીબી લગાવવા તાકીદ કરાઇ

નડિયાદ શહેરના વિજ ગ્રાહકોના બીલ સાથે વીજ કંપની દ્વારા ઇએલસીબી અથવા આરસીસીબી લગાવવા નોટીસ આપતા હલચલ મચી ગઇ છે. જે ગ્રાહકોને 2કેવીથી વધુ વીજ લોડ હોય તેઓએ ફરજીયાત લગાવવા અથવા તેમનું વીજ કનેકશન કાપી નાંખવા પણ નોટીસમાં જણાવવામાં આવતાં ભારે ઉહાપોહ થયો છે. એક તરફ કોરોનામાં પહેલેથી જ અનેક પરિવારે રોજગારી ગુમાવી છે, ત્યારે આ વધારાના ખર્ચનો ભારણ આવતાં રોષ ફેલાયો છે.

નડિયાદ શહેરમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત વીજ કાપ આપી રીપેરીંગ કરનારી વીજ કંપનીને હવે પોતાની જ કામગીરી પર વિશ્વાસ ન હોય તેવો ફતવો બહાર પાડ્યો છે. આ ફતવામાં વીજ કંપની દ્વારા દરેક વીજ ગ્રાહકોના લાઇટ સાથે નોટીસ આપી છે, તેમાં વીજ ભારે 2કેવી કે તેનાથી વધુ હોય તે વીજ ગ્રાહકને ઇએસીબી, આરસીસીબી લગાવવી ફરજીયાત છે. આ નોટીસના પગલે વીજ ગ્રાહકોમાં ભારે ઉહાપોહ મચ્યો છે. એક તરફ સરકાર કોરોનામાં પ્રજા પર આર્થીક ભારણ ન પડે તે માટે વિવિધ રાહત પેકેજ જાહેર કરે છે. બીજી તરફ સરકારનું જ એક એકમ વીજ કંપની દ્વારા જુના નિયમોને આગળ કરી ઇએલસીબી કે આરસીસીબી ફરજીયાત કરી રહ્યું છે. હાલ શહેરમાં અંદાજે 50 હજારથી વધુ વીજ ગ્રાહકો છે. એક પરિવારને સરેરાશ બે હજાર ઉપરાંતનો ખર્ચ આવે તેમ છે. તેમાંય મધ્યવર્ગના પરિવાર માટે લોકડાઉન વચ્ચે આ ખર્ચ અસહ્ય પડશે. જેને કારણે ભારે રોષની લાગણી જન્મી છે.

સ્વીચ નહીં હોય તો વીજ જોડાણ કપાશે : નોટીસ
નડિયાદ પશ્ચિમમાં વીજ કંપની દ્વારા આપવામાં આવેલી નોટીસમાં જણાવ્યાનુસાર, કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ વિનિમય 2010ના વિનિમય-42ની જોગવાઇ અનુસાર જે વિજ સ્થાપનનો કરારીત વિજ ભાર 2કેવી કે તેનાથી વધુ હોય તે વિજ સ્થાપન પર ઇએલસીબી, આરસીસીબી લગાવવી ફરજીયાત હોઇ તે જો ન લગાવેલી હોય તો તે લગાવી કચેરીમાં પ્રમાણપત્રની નકલ સાથે લેખિત જાણ કરવી. અન્યથા આપનું વિજ જોડાણ કાપવા પાત્ર થાય છે.

વીજ ગ્રાહકની સુરક્ષા માટે ઇએલસીબી જરૂરી છે
છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાને લઇ અકસ્માતની સંખ્યા વધી છે. કરંટ લીકેજ હોય તે સમયે કોઇ વ્યક્તિ વાયરીંગને અડી જાય તો તુરંત સ્વીચ ટ્રીપ થતા જાનહાની અટકી શકે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનીક સાધનોને થતા નુકશાનથી પણ બચી શકાય છે. આથી, અકસ્માતનો રોકવા ઇએલસીબી, આરસીસીબી ફરજીયાત કરવામાં આવી છે. > એ.એલ. ભાલસોડ, ડીઇ, વીજ કંપની, નડિયાદ પશ્ચિમ.

અન્ય સમાચારો પણ છે...