રજૂઆત:નડિયાદ પાલિકામાં સત્તાપક્ષ દ્વારા વિપક્ષને માહિતી અપાતી નથી

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના પત્રથી ન માનતા છેવટે સભ્યોએ RTI કરવાની ફરજ પડી

નડિયાદ નગરપાલિકાએ વિરોધ પક્ષના ચૂંટાયેલા કાઉન્સિલરોને ખો-ખોની રમત યાદ અપાવી દીધી છે. પાલિકાના 5 વિપક્ષી સભ્યો અને નગપાલિકા વચ્ચે હુંસાતુસી ચરમસીમાએ પહોંચી છે. સભ્યો દ્વારા પહેલા પાલિકામાં મૌખિક રજૂઆત કરી માહિતી માંગવામાં આવી હતી, જેથી પાલિકા દ્વારા અરજી કરી માહિતી લેવા જણાવ્યુ હતુ. જેથી સભ્યોએ 15 માર્ચ, 2021થી 5 જૂન, 2021 સુધી કેટલા અને કયા કામોના બિલોની ચૂકવણી થઈ? તેમજ આઉટસોર્સિંગ અેજન્સીઅો કેટલી અને ક્યા ક્યા કામદારો રાખવામાં આવ્યા છે. સહિતના 6 મુદ્દા આધારીત અરજી પાલિકામાં આપી હતી. તેમ છતાં પ્રશાસને માહિતી આપી ન હતી.

માહિતી ન મળતા વિપક્ષી સભ્ય ગોકુલ શાહે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જેના સંદર્ભમાં કલેક્ટર કચેરી દ્વારા નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોંધી પત્ર લખી સભ્ય ગોકુલ શાહની અરજી સંદર્ભે ઘટતી કાર્યવાહી કરવા ટકોર કરી હતી. પરંતુ પાલિકા પ્રશાસન કલેક્ટરના આ પત્રને પણ અભરખે ચઢાવી દઈ કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે હવે પાલિકાના 5 વિપક્ષી સભ્યોએ RTIને હથિયાર બનાવી તમામ વિગતો માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવાની ફરજ પડી છે.

ત્યારે સવાલ એ ઉભા થયા છે કે, નડિયાદ નગરપાલિકા ચૂંટાયેલા જનપ્રતિનિધિને મૌખિક રજૂઆત, અરજી અને ત્યારબાદ જિલ્લા સમાહર્તાની ટકોર બાદ પણ માહિતી ન આપતી હોય તો પછી શું RTIથી માહિતી આપશે? તેમજ પાલિકા પ્રશાસન ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને જ માહિતી આપવામાં ભટકાવી રહી હોય, ત્યારે સામાન્ય નાગરીકને માહિતી આપશે કે કેમ? તે સવાલ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે ચીફ અોફિસર પ્રણવભાઈ પારેખે જણાવ્યુ હતુ કે,ગઈકાલે જ RTI મળી છે. નિશ્ચિત સમય દરમિયાન માહિતી આપી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...