તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફુલેકું:નડિયાદમાં યુવાનિધી ગૃપની ઓફીસ ખોલી 'નઈ સોચ નઈ રાહે' સ્કીમમાં લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક તબક્કે 89 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ
  • ડિરેક્ટર, બ્રાન્ચ મેનેજર અને ઝોનલ મેનેજર સામે ફરિયાદ
  • છોટાઉદેપુર પંથકમાં પણ આ કંપનીએ 2.60 કરોડ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ

ખેડા જિલ્લાના નડિયાદમાં યુવાનિધી ગૃપની ઓફીસ ખોલી લોકો પાસે ઠગાઈ આચરી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાની ફરિયાદ ઉઠી છે. જે પૈકી પ્રાથમિક તબક્કે માત્ર 89 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઇ છે. RBI માન્યતા પ્રાપ્ત હોવાનો દાવો કરી યુવાનિધી ગૃપની કંપનીમાં બચત ખાતું ખોલાવી રોકાણકારો પાસેથી ઠગાઈ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નડિયાદના સંતરામ રોડ પરના વર્ગો શોપિંગ સેન્ટરમાં વર્ષ 2013ના અરસામાં યુવાનિધી કંપનીએ એક ઓફિસ ખોલી હતી. જેમાં શહેર અને આસપાસ રહેતા 6થી વધુ લોકો કમીશન એજન્ટ તરીકે આ કંપનીમાં જોડાયા હતા. યુવાનિધિ ગ્રુપ દ્વારા નઈ સોચ નઈ રાહે નામની ડેઇલી, મંથલી અને ફ્કીસ ડિપોઝીટની વિવિધ સ્કીમો છે જેમાં વ્યાજની સારી રકમ મળશે તેમ કહી કરોડો રૂપિયાનું ફુલેકું આ કંપનીએ ફેરવી દીધું છે. કમીશન એજન્ટો ઉભા કરી નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાંથી આ કંપનીએ ઠગાઈ આચરી છે.

વર્ષ 2019ના સાતમાં મહિનામાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અતુલસિંગ દયાલસિંગ રાજપુત (રહે.13/ગજાનંદવીલા, રાધાકિશન રોયલની સામે, નવા નરોડા, અમદાવાદ) અને ઝોનલ મેનેજર બ્રહ્માનંદ દુબે (રહે.ઉત્તરસંડા, નડિયાદ)એ ઓડીટ આવવાનું જણાવી બે માસ સુધી તમામના નાણાં પરત મળશે નહી તેમ જણાવ્યું હતું અને તે બાદ ઉપરોક્ત બન્ને તથા બ્રાન્ચ મેનેજર અલ્પેશ જયંતિલાલ ગોહિલ (રહે.ઉત્તરસંડા, નડિયાદ) ત્રણેય લોકો ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા. આ કંપનીમાં કમીશન એજન્ટ તરીકે કામ કરતા સ્મિતાબેન મનુભાઈ ગજ્જરે પાંચ લાખ, હસમુખ પરમારે 23 લાખ, રાકેશ મારવાડીએ 18 લાખ, રાવજી પરમારે 30 લાખ, લાલજી ચૌહાણે પાંચ લાખ, અનુપમાબેન પરમારે ત્રણ લાખ, મનીષ પટેલે પાંચ લાખ ઉપરોક્ત કંપનીમાં જમા કરાવ્યા હતા. આવા તો ઘણાં એજન્ટો છે જેઓએ ગ્રાહકો પાસેથી નાણાં મેળવી આ ગૃપમા રોકાણ કર્યું હતું.

કંપનીના ડિરેક્ટર, બ્રાન્ચ મેનેજર અને ઝોનલ મેનેજર તો રફુચક્કર થઈ ગયા પરંતુ કમીશન એજન્ટો પર લટકતી તલવાર આવી પડી હતી. સમય આવે એટલે ગ્રાહકો જે તે એજન્ટોને ફોન કરી પોતાના નાણાંની પૃચ્છા કરતાં જેથી એજન્ટોએ ઉપરોક્ત ત્રણેય સંચાલકોને ફોન કરીને જાણ કરતાં સંચાલકોએ પણ હાથ અધ્ધર કરી દીધા છે. કોરોનાના કારણે કમીશન એજન્ટો રૂબરૂ સંચાલકો પાસે જઈ શક્યા નથી. આમ કમીશન એજન્ટોને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં કમિશન એજન્ટોએ ઉપરોક્ત કંપનીના ડિરેક્ટર, બ્રાન્ચ મેનેજર અને ઝોનલ મેનેજર સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 406, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રેઉલ્લેખનીય છે કે ઉપરોક્ત યુવાનિધી ગૃપ દ્વારા વડોદરાના બોડેલીમાં પણ આ રીતે લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. જે બાબતની ફરિયાદ પણ બોડેલી પોલીસ મથકે નોંધાઇ છે. અહીંયા આશરે 500 લોકો સાથે ઠગાઈ આચરી રૂપિયા 2.60 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે.

અન્ય સમાચારો પણ છે...