નશાનો કારોબાર ઝડપાયો:નડિયાદના ભગાપુરામાંથી 44.5 કિલો પોષડોડાના ભૂક્કા સાથે એક ઝડપાયો, કુલ રૂ. 1.33 લાખનો મુદ્દામાલ જપ્ત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે સવારે MPના બે લોકો પાસેથી પોષડોડાનો ભૂક્કો ખરીદ્યો, રાત્રે SOG પોલીસ ત્રાટકી
  • પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી 3 શખ્સો સામે ફરિયાદ નોંધી

ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોનુ સેવન વધ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ આવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જેના અન્વયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભગુપુરામાંથી પોષડોડાના ભૂક્કા સાથે એક શખ્સને ઝડપી લેવાયો છે. આ શખ્સે સવારે MPના બે લોકો પાસેથી રૂપિયા 1.27 લાખનો પોષડોડાનો ભૂક્કો વેચાણ અર્થે ખરીદ્યો અને રાત્રે SOG પોલીસે ત્રાટકી આ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ બનાવમાં 44.500 kgના પોષડોડાનો ભૂક્કો કિંમત રૂપિયા 1.33 લાખને કબ્જે કરી 3 લોકો સામે ફરિયાદ નોંધી છે.

નડિયાદના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભગુપુરા ગામેથી ગઈકાલે બુધવારે રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)‌ પોલીસે મોટા પ્રમાણમાં પોષડોડાનો ભૂક્કો પકડી પાડ્યો છે. પોલીસને ચોક્કસ માહિતી મળતા પોલીસે અહીયા ભગુપુરા પહોંચી મનુ દેસાઇભાઈ વાઘેલાના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી નશીલા પદાર્થ પોષડોડાનો ભૂક્કો મોટી માત્રામાં કબ્જે કર્યો છે. ત્રણ પ્લાસ્ટિકની કોથળીઓમાં કુલ 44.500 કિલો પોષડોડાનો ભૂક્કો જેની કિંમત રૂપિયા 1 લાખ 33 હજાર 500 સાથે મનુ દેસાઇભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આ બનાવમાં ઉપરોક્ત જથ્થા સાથે વજન કાંટો મળી કુલ રૂપિયા 1 લાખ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા મનુ વાઘેલાની પૂછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે આ ઉપરોક્ત પોષડોડાનો ભૂક્કો મધ્યપ્રદેશના પવન અને બદ્રી નામના શખ્સો ગઈકાલે બુધવારે સવારે આઠ વાગ્યાની આસપાસ તેની ઘરે આપી ગયા હતા. વધુમાં તેણે જણાવ્યું હતું કે ઉપરોક્ત પોષડોડાનો ભૂક્કો રૂપિયા 1 લાખ 27 હજાર ચૂકવી તેણે વેચાણ અર્થે ખરીદ્યો હતો. આમ પોલીસે આ નાર્કોટિક્સ કેસ મામલે કુલ ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...