કાર્યવાહી ન થતાં અચરજ:ખેડાના અલિન્દ્રા નરેગા કૌભાંડ કેસમાં વધુ એક મુદ્દત : આગામી સોમવારે સુનાવણી

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણી માથે છે ત્યાં બીજી તરફ સરપંચ સામે કોઈ કાર્યવાહી ન થતાં અચરજ

ખેડા જિલ્લાના બહુચર્ચિત અલિન્દ્રા નરેગા કૌભાંડમાં માસ્ટરમાઈન્ડ સરપંચને વધુ એક મુદ્દત મળી છે. એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી માથે છે, ત્યાં હજુ સુધી સરપંચ સામે કાર્યવાહી ન થતાં અચરજ વ્યાપી છે. લાખો રૂપિયાનું કૌભાંડ સાબિત થતા પ્રશાસનના જવાબદાર કર્મચારીઓને થોડા દિવસો પહેલા જ સસ્પેન્ડ કરાયા છે. ત્યારે સરપંચ સામે ચૂંટણી જાહેર થાય તે પહેલા કાર્યવાહી થશે કે કેમ? તે સવાલ ઉભો થયો છે.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 12 નવેમ્બરના રોજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અલિન્દ્રા નરેગા કૌભાંડના મુખ્ય આરોપી સરપંચ રજનીકાંત પટેલને ખુલાસા માટેની મુદ્દત હતી. આ મુદ્દતમાં સરપંચ વતી તેમના વકીલ દ્વારા વધુ એક મુદ્દતની માંગણી કરવામાં આવી હતી. જ્યાં ડીડીઓ દ્વારા આગામી 22 નવેમ્બર અને સોમવારના રોજની મુદ્દત આપવામાં આવી છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ-નગારા વાગી રહ્યા છે.

જોકે, સમગ્ર બનાવમાં આગામી ડિસેમ્બરમાં સરપંચની ચૂંટણી યોજાવવાની છે ત્યારે સરપંચ સામે કોઈ કાર્યવાહી ન થતાં સમગ્ર ગામમાં પણ અચરજ જોવા મળી રહ્યું છે. અલિન્દ્રામાં નરેગા યોજનામાં કૌભાંડ થયાનું સાબિત થતા વસો તાલુકા પંચાયતના ટેકનીકલ આસિસ્ટન્ટ સાગર કાછીયા અને ગ્રામ રોજગાર સેવક દિનેશ માલીવાડને સસ્પેન્ડ કરી દેવાયા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા થોડા સમય પહેલા જ બંને સામે કાર્યવાહી કરાઈ છે. બીજીતરફ તળાવ ઉંડુ કરવા બાબતે સરપંચ દ્વારા અરજદાર સાથે કરાયેલી વાતચીતનો ઓડીયો પણ વાઈરલ થયો હતો.

જેમાં નરેગા કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું ખુદ સરપંચે સ્વીકાર્યુ છે. ઉપરાંત તેમના પરીવારજનોના ખાતામાં પણ મજૂરીના પૈસા જમા થયા છે. આ તમામ પુરાવાઓ તપાસ દરમિયાન પ્રશાસનને સોંપવામાં આવ્યા છે. ત્યારે હવે સરપંચ સામે શું કાર્યવાહી થશે? તે જોવુ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...