અકસ્માતોની વણઝાર:ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતના ત્રણ બનાવોમાં એક બાળકી અને બે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લાના માતર, મહેમદાવાદ અને કઠલાલ પંથકમાં અકસ્માત સર્જાયો
  • સંબંધિત પોલીસ મથકે ફેટલ અકસ્માત અંગેની ફરિયાદ નોંધાઇ

ખેડા જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન અકસ્માતના ત્રણ જુદા-જુદા બનાવોમાં એક બાળકી સહિત બે વ્યક્તિઓનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. માતર, મહેમદાવાદ અને કઠલાલ પંથકમાં સર્જાયેલા અકસ્માત સંદર્ભે હદ ધરાવતા પોલીસ મથકે ફેટલ અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે.

રોન્ગ સાઇડમાં આવતા ટ્રેક્ટરે મોટરસાયકલને અડફેટે લીધીઅકસ્માતની પ્રથમ ઘટનામાં વસો તાલુકાના ઝારોલ ગામે રહેતાં દશરથભાઈ રાયસીંગભાઈ સોલંકીના પૌત્ર નીલેશ તથા તેમના મોટાભાઈનો દીકરો સતીશ અને તેમના જ ગામના શંકરભાઈ ગલાભાઈ સોલંકીના દીકરા જગદીશ ગત 20મી એપ્રિલના રોજ સવારે એક જ મોટરસાયકલ પર બેસી ઝારોલથી સંધાણા ગામે વાળ કપાવવા જતા હતા. આ દરમિયાન સંધાણા ગામ નજીક આવેલી હોટલ પાસે રોંગ સાઇડે આવતા ટ્રેક્ટર નંબર (GJ 07 DD 0781)એ ઉપરોક્ત મોટરસાયકલને ટક્કર મારી હતી.

આથી મોટરસાયકલ ચાલક જગદીશ તથા પાછળ બેઠેલા નિલેશ અને સતીશ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ ત્રણેય યુવાનોને તુરંત ખેડાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાંથી જગદીશને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આજે સોમવારે અને 2જી મેના રોજ જગદીશ સોલંકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે માતર પોલીસે દશરથભાઈ રસીકભાઇ સોલંકી ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બમ્પના લીધે શોર્ટ બ્રેક મારતાં પાછળ બેસેલા યુવકનું મોતબીજો બનાવ મહેમદાવાદ પોલીસ મથકે નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા રવિ લક્ષ્મણભાઈ દુર્ગસનો ગઇકાલે રવિવારે જન્મ દિવસ હોવાથી તેઓ પોતાના મિત્રો સાથે અલગ-અલગ મોટરસાયકલ ઉપર ડાકોર રણછોડજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રવિ પોતાની મોટરસાયકલ નંબર (GJ 27 CR 1727) હંકારતો હતો, જ્યારે આ મોટરસાયકલ પાછળ તેમનો મિત્ર વિશાલ ભરતભાઈ સેન્ડર (ઉ.વ.22) બેઠો હતો.

ગઈકાલે મોડીરાત્રે રવિ ખેડા જિલ્લાના મેંદરડા પંથકના રાસ્કા ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એકાએક બમ્પ આવતાં ચાલક રવિને બમ્પ ન દેખાતા તેણે અચાનક શોર્ટ બ્રેક મારી હતી. આથી મોટર સાયકલ ચાલક રવિ અને પાછળ બેઠેલા વિશાલ સેન્ડર નામના યુવાને બેલેન્સ ગુમાવતા તે રોડ ઉપર પટકાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિશાલને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે વિશાલને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત સંદર્ભે રવિ દુર્ગસે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

માતા-પિતાની નજર સમક્ષ દીકરીએ જીવ ગુમાવ્યોતો અન્ય એક બનાવ કઠલાલ નજીકથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે પર બન્યો છે. જેમાં એક આઠ વર્ષીય માસૂમ બાળાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મૂળ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુરા ગામના અને નોકરી ધંધાર્થે અમદાવાદના નરોડામાં સ્થાયી થયેલા 30 વર્ષીય નરેન્દ્રભાઈ સેલાભાઈ ડામોર ગઇકાલે પોતાના વતનેથી પરત અમદાવાદ મોટરસાયકલ પર પોતાની પત્ની અને બે બાળકો સાથે આવી રહ્યા હતા.

જ્યાં તેઓ કઠલાલના અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ફાગવેલ ગામ નજીક પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ આવતા ડમ્પર નંબર (RJ 06 GB 7934)ના ચાલકે નરેન્દ્રભાઈના મોટરસાયકલને અડફેટે લીધું હતું. જેના કારણે નરેન્દ્રભાઈ તથા તેમની પત્ની હેતલબેન તેમજ એક દીકરો અને દીકરી આ તમામ લોકો ફંગોળાઈને વાહન પરથી રોડ ઉપર પટકાયા હતા. આ પૈકી આઠ વરસની દીકરી આરોહી ઉપર ઉપરોક્ત ડમ્પરનું ટાયર ફળી વળતા માતા-પિતા અને ભાઈની નજર સમક્ષ દીકરીએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ સંદર્ભે નરેન્દ્રભાઈ ડામોરે ઉપરોક્ત ડમ્પર ચાલક સામે કઠલાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...