સેવા પરમો ધર્મ:ડાકોરમાં અન્નનો અનોખો સેવા યજ્ઞ કરતો સુરતનો પરિવાર, જરૂરિયાત મંદો માટે સદાવ્રત ખુલ્લુ મુક્યું

નડિયાદએક વર્ષ પહેલા
  • એક મહિનાનો એક લાખ પચાસ હજારનો ખર્ચ એકલા હાથે ઉઠાવે છે
  • ગોમતી ઘાટ પર સવાર-સાંજ 80 જેટલા સાધુ સંતો તેમજ ભિક્ષુકો ભોજન કરે છે

યાત્રાધામ ડાકોરમાં માનવતાની મહેક એક સુરતના પરોપકારી સજ્જન દ્વારા મહેકાવવામાં આવી છે. અહીંયા આ પરિવાર દ્વારા અન્નનો યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. ટુકડો ત્યાં હરિ ઢુકડો એ કહેવતને સાર્થક પુરવાર આ સુરતના કર્મવીરે કરી છે. કોરોનાના સમયમાં ગોમતી ઘાટ પર સવારે 80 જેટલા સાધુ સંતો તેમજ ભિક્ષુકોને તથા સાંજે પણ આટલા જ જરૂરિયાત મંદો માટે સદાવ્રત ખુલ્લુ મુક્યું છે.

સદાવ્રતનો નિભાવ ખર્ચ એક દિવસનો પાંચ હજાર થાય છે

આ સેવાનું કામ દંડી સ્વામી આશ્રમ પાસે આવેલી જગ્યા તેમજ ચોમાસામાં દંડી સ્વામી આશ્રમમાં થાય છે. જેમાં વલ્લભીપુરના કાન્તિભાઈ દરજી દ્વારા આ કાર્ય છેલ્લા 13 વર્ષથી લગાદાર થઈ રહ્યું છે. સદાવ્રતનો નિભાવ ખર્ચ એક દિવસનો પાંચ હજાર તેમજ એક મહિનાનો એક લાખ પચાસ હજાર થવા જાય છે. તો વાર્ષિક ખર્ચ અને આટલા વર્ષોથી એકલા હાથે જમાડવાનો ખર્ચ કરોડો રૂપિયાનો છે. અહીંયા દાળ, ભાત, શાક, રોટલી અને અઠવાડિયામાં એક વખત મીષ્ઠાન પીરસવામાં આવે છે. અટલું જ નહીં જમ્યા બાદ દરેકને દક્ષિણા પણ આપવામાં આવે છે.

રણછોડજીની પ્રેરણાથી આ સેવા કાર્ય આગળ ધપી રહ્યું છે

વર્ષો પહેલાં વલ્લભીપુરનું દરજી કુંટુંબ રણછોડજીની ઝાંખી કરવા અવાર નવાર ડાકોર આવતું હતું. ગોમતી તળાવમાં માછલી તેમજ કાચબાને ખવડાવી આનંદ અનુભવતા તે સમયે તેમની નજર આવા ભિક્ષુકો પર પડી. કોઇ ખાવા માટે દાન કરવા આવ્યુ હોય તો આ ગરીબ ભિક્ષુકો પડા પડી કરતા. બસ તે સમયથી તેમણે તેમના ગરીબીના દિવસો યાદ કરી હાલની સારી પરિસ્થિતિમાં કઈક કરી છૂટવાની ભાવના થઈ. હાલ સુરતમાં વસવાટ સાથે સરસ ધંધો કરતા કાંતીભાઈ દરજી તેમજ તેમના પુત્ર હિમાચલ દ્વારા ધર્મદાનની સરવાણી શરૂ કરાઈ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પોતે કમાતા હોય તેનુ થોડુ ઘણું પરમાર્થ કરવુ જોઈએ તે છે. આમ કોઈ પણ દાતાની મદદ વગર છેલ્લા ઘણા વર્ષોથી આ માનવતાની મહેક ડાકોર ખાતે પ્રસરાવી રહ્યાં છે. આ પરથી બોધ લેવો જોઈએ કે માનવ માનવે સમભાવ કેળવી સમયે સમયે એક બીજાને મદદરૂપ થવું જોઈએ.

મહામારીમાં પણ સતત આ અન્નક્ષેત્ર અવિરત છે

આ અંગે દંડી સ્વામી આશ્રમના મહંત વિજયભાઈ જણાવે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આ સુરતના પરિવાર દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. જે ખરેખર પ્રેરણા રૂપ કાર્ય કહી શકાય છે. ડાકોર ગોમતી ઘાટ પર દરરોજ સવાર અને સાંજે શુધ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેનો લાભ સાધુ, સંતો અને ભિક્ષુકોને મળી રહ્યો છે. જ્યાં અન્નનું દાન થતું હોય ત્યાં સ્વયંમ ભગવાન રણછોડરાય હાજર રહે છે. હાલ આ મહામારીમાં પણ સતત આ અન્નક્ષેત્ર અવિરત ચાલી રહ્યું છે. જે ધન્યતાને પાત્ર છે. જો આમાંથી અન્ય લોકો પ્રેરણા મેળવે તો ભારત વિશ્વ ગુરુ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...