આમરણાંત ઉપવાસ:મહેમદાવાદમાં ઉભરાતી ગટરના પ્રશ્ને તંત્ર સામે પાલિકાના વિપક્ષી સભ્યોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજૂઆતો છતાં પાલિકાએ ધ્યાન ન આપતાં શરૂ કર્યા આમરણાંત ઉપવાસ
  • ગઈકાલ સાંજથી પીવાનાં પાણીમાં પણ દુષિત-ગંદુ પાણી આવે છે
  • ગટર ચોકઅપના કારણે ગંદુ પાણી ઠેર ઠેર લોકોનાં ઘરોમાં ભરાઈ જવા પામ્યું

મહેમદાવાદ નગરપાલિકા વોર્ડ નંબર બે અને ત્રણમાં ઉભરાતી ગટરોના ગંદા પાણીને લઇને આ વિસ્તારની પ્રજા છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકાએ કોઈ જાતનું ધ્યાન ન આપતાં આજે આ વિસ્તારના કાઉન્સિલરો તેમજ વિપક્ષના નેતાઓએ પાલિકા ભવનમાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા.

મહેમદાવાદમાં આવેલા વિવિધ વિસ્તારો જેવા કે, સમીર પાર્ક, એસ.વાય.મનસુરી હોલ પાસેનો વિસ્તાર, વાલીખાણનો તમામ વિસ્તારમાં ગટર ચોકઅપના કારણે ગંદુ પાણી ઠેર ઠેર લોકોનાં ઘરોમાં ભરાઈ જવા પામ્યું હતું તેમજ દરગાહ તથા મસ્જિદની આસપાસ ગંદકી ફેલાવા પામી હતી. છેલ્લા ત્રણ માસથી જનતા ત્રાસી ગઈ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ગઈ કાલે રવિવાર સાંજથી આ તમામ વિસ્તારોમાં પીવાનાં પાણીમાં દુષિત-ગંદુ પાણી આવે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે. આ બધા કારણોસર જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે.

આ બાબતે લોકો એ પાલિકામાં રજૂઆત પણ કરી હતી જેના અંતર્ગત જણાવાયું હતું કે, આ વિસ્તારની જનતા મુશ્કેલીઓ વેઠી રહી હોવા છતાં પાલિકા કોઈ નિવેડો લાવતી નથી અને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે. આવી જ સમસ્યા વોર્ડ નં. બેમાં પણ છે. આ રજૂઆતનો કોઈ ઉકેલ ન આવતા આજે સોમવારે મહેમદાવાદ પાલિકાના વિપક્ષી નેતા કરીમભાઈ મલેક, રશિક ચાવડા ઈકબાલ શેખ, શોકત, રફિકભાઈ અને નજર ભાઈ વગેરે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...